ભારતીય-પાકિસ્તાનીઓ વચ્ચે અથડામણઃ લેસ્ટર-પોલીસે કુલ 47ને પકડ્યા

લંડનઃ ગયા ઓગસ્ટના અંતે દુબઈમાં ભારત-પાકિસ્તાન વચ્ચે એશિયા કપ સ્પર્ધાની ક્રિકેટ મેચ બાદ સપ્ટેમ્બરમાં પૂર્વીય બ્રિટિશ શહેર લેસ્ટરના રસ્તાઓ પર ભારત અને પાકિસ્તાની લોકો વચ્ચે મોટા પાયે હિંસક અથડામણ થઈ હતી. પોલીસે તે કેસના સંદર્ભમાં અત્યાર સુધીમાં 47 જણની ધરપકડ કરી છે. ગઈ કાલે પોલીસે વધુ 12 જણને પકડ્યા હતા.

તપાસનીશ ટૂકડીની આગેવાની લેનાર ડીટેક્ટિવ ચીફ ઈન્સ્પેક્ટર રોબ આર્થરે કહ્યું છે કે, અમારી ટીમ પુરાવાઓ મેળવી રહી છે અને હિંસાખોરી કરનાર અનેક શકમંદોને અમે ઓળખી કાઢ્યા છે. સીસીટીવી ફૂટેજના દ્રશ્યોનું અવલોકન પણ કરવામાં આવી રહ્યું છે. અમે પકડાયેલા શખ્સોને કસ્ટડીમાં પૂરી દીધા છે. પકડાયેલા લોકો 25થી 45 વર્ષની વયનાં છે. તમામ લોકો લેસ્ટરના જ રહેવાસીઓ છે. જીવલેણ હથિયારો રાખવા તેમજ એવા હથિયાર વડે હિંસા કરવાનો આ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પકડાયેલા શકમંદોમાં જાવેદ પટેલ, ઝાકીર ઉમરજી, હસન ચુનારા જેવાનો સમાવેશ થાય છે. એમને હવે લેસ્ટરના મેજિસ્ટ્રેટની કોર્ટમાં હાજર કરવામાં આવશે. આ બધી ધરપકડો કરીને અમે જનજીવનને ખોરવી નાખવા માટે જવાબદાર લોકોને સજા કરાવીશું.

ઉલ્લેખનીય છે કે, લેસ્ટરમાં હિન્દુ અને મુસ્લિમ લોકો વર્ષોથી મોટી સંખ્યામાં રહે છે.