નવા વર્ષની ઉજવણીમાં લખનૌમાં ઇન્સ્પેક્ટરની ધરપકડ કરાઈ

લખનૌ: યુપીની રાજધાની લખનૌમાં ન્યુ યર સેલિબ્રેશન દરમિયાન એક ઇન્સ્પેક્ટરે ટ્રાફિક ડાયવર્ઝન માટે લગાવવામાં આવેલી બેરિકેડિંગ પર કાર ચઢાવી દીધી હતી. હઝરતગંજ ચોરાહે તૈનાત સબ ઇન્સ્પેક્ટરે ઇન્સ્પેક્ટરને કાર બીજી તરફ વાળવા કહ્યું હતું, પરંતુ તેઓ માન્યા નહીં. જ્યારે સબ ઇન્સ્પેક્ટર કાર રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે ઇન્સ્પેક્ટરે તેમની ઉપર કાર ચઢાવવાની કોશિશ કરી. એટલું જ નહીં, આરોપી ઇન્સ્પેક્ટર ત્યાં હાજર ડીસીપી ટ્રાફિક સાથે પણ ઝઘડી પડ્યા હતા.

આરોપી ઇન્સ્પેક્ટરની પોલીસે ધરપકડ કરી

એ પછી ડીસીપી ટ્રાફિકના આદેશ પર આરોપી ઇન્સ્પેક્ટરને ધરપકડ કરવામાં આવી. કડક ઠપકો આપતાં ડીસીપી ટ્રાફિક કમલેશ દીક્ષિતે ઇન્સ્પેક્ટરને પોલીસ જીપમાં બેસાડી થાણે મોકલ્યા. હઝરતગંજ પોલીસે આરોપી ઇન્સ્પેક્ટરની ધરપકડ કરી હતી.

કારમાંથી દારૂની બોટલો મળી

આરોપી ઇન્સ્પેક્ટરની કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી છે. ચણભણ દરમિયાન જે વિડિયો રેકોર્ડ થયો હતો તેમાં ઇન્સ્પેક્ટરની કારમાં દારૂની બોટલો સ્પષ્ટ દેખાઈ રહી છે. પોલીસે આરોપી ઇન્સ્પેક્ટરનું મેડિકલ પરીક્ષણ પણ કરાવ્યું છે. બુધવાર રાત્રે હઝરતગંજ ચોરાહે થયેલા હંગામાનો વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ વિડિયોમાં દેખાઈ રહ્યું છે કે આરોપી ઇન્સ્પેક્ટરને પોલીસ કર્મચારીઓએ ચારે તરફથી ઘેરી લીધા છે અને તેઓ સૌ સાથે ઝઘડતા દેખાઈ રહ્યા છે. જ્યારે ડીસીપી ટ્રાફિક તેમને કાર્યવાહી કરવાની ચેતવણી આપે છે, ત્યાર બાદ પોલીસ કર્મચારીઓ આરોપી ઇન્સ્પેક્ટરને પોતાની સરકારી જીપમાં બેસાડી થાણા તરફ લઈ જાય છે.

ન્યુ યર સેલિબ્રેશનને ધ્યાનમાં રાખીને લખનૌમાં જગ્યાએ જગ્યાએ બેરિકેડિંગ કરવામાં આવી હતી, જેથી ટ્રાફિક જામની સ્થિતિ ન સર્જાય, પરંતુ ઇન્સ્પેક્ટરસાહેબને આ વાત ન ગમી અને તેમણે બેરિકેડિંગ પર પોતાની કાર ચઢાવવાની કોશિશ કરી.