UNGAમાં પાકિસ્તાની PM શરીફને ભારતનો જડબાતોડ જવાબ

નવી દિલ્હીઃ ભારતે શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં પાકિસ્તાનને આકરી ફટકાર લગાવી હતી. પાકિસ્તાની PM શહબાઝ શરીફ આતંકવાદનાં ગાણાં ગાઈ રહ્યાં હતાં, જે બદલ ભારતે તેમને આડે હાથ લીધા હતા અને વૈશ્વિક મંચ પર ખોટો પ્રચાર કરવાનો આરોપ મૂક્યો હતો. શરીફે જ્યારે UNGAના 80મા સત્રમાં પોતાના ભાષણમાં જૂઠાણાં રજૂ કર્યાં ત્યારે ભારતે તેમના દાવાને આકરા શબ્દોમાં વખોડી કાઢ્યો હતો. ભારતે જણાવ્યું હતું કે ઇસ્લામાબાદ હકીકતોને તોડીમરોડી રજૂ કરે છે અને આતંકવાદી સંગઠનોને ઢાલ પૂરી પાડે છે, જેની નિંદા કરવી જરૂરી છે.

પાકિસ્તાનના PMનો દાવો

શરીફે કહ્યું હતું કે મે, 2025માં અમારી પૂર્વીય સરહદ પર બિનજરૂરી હુમલો થયો. અમે બચાવમાં પૂરેપૂરી તાકાતથી લડ્યા અને અમારી વાયુસેનાએ સાત ભારતીય જેટ વિમાનોને તોડી પાડ્યા. અમે દુશ્મનને હરાવ્યો અને પાછા ધકેલી દીધા. ભારતે મામલાનો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ અમે કહ્યું હતું કે પહેલગામ હુમલાની તપાસ થવી જોઈએ.

ભારતે બતાવ્યું દર્પણ

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનમાંથી બોલતા ફર્સ્ટ સેક્રેટરી પેટલ ગહલોતે શરીફના ભાષણને બકવાસ નાટક ગણાવ્યું હતું. એ સાથે સાથે પાકિસ્તાન આતંકવાદ ફેલાવવાનો જે લાંબા સમયથી ઈતિહાસ ધરાવે છે તે બધાની સમક્ષ મૂક્યો હતો. ગહલોતે પાકિસ્તાની વડા પ્રધાન પર તીખો હુમલો કરતાં કહ્યું હતું કે આ સભાએ પાકિસ્તાનના PMનું બકવાસ નાટક જોયું, જેમણે ફરી એક વાર આતંકવાદનાં ગાણાં ગાયાં, જે તેમની વિદેશ નીતિનો અભિન્ન ભાગ છે.

એક એવું દેશ જે લાંબા સમયથી આતંકવાદને પ્રોત્સાહિત કરવાનો અને તેને નિકાસ કરવાનો પરંપરાગત ઈતિહાસ ધરાવે છે, તેને આ હેતુ માટે સૌથી હાસ્યાસ્પદ વાર્તાઓ ઘડી કાઢવામાં કોઈ શરમ નથી, એમ તેમણે કહ્યું હતું.