મુંબઈઃ વિશ્વ આરોગ્ય દિવસ (7 એપ્રિલ)ના દિવસે, મુંબઈની ‘કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલે’ અસામાન્ય કહેવાય એવી સિદ્ધિ હાંસલ કરી. હૉસ્પિટલના પ્રખ્યાત સર્જન ડૉ. ટી. બી. યુવરાજાએ મુંબઈમાં બેસીને ઓમાનની રાજધાની મસ્કતનાં 55 વર્ષી મહિલા દર્દીની કિડનીની જટિલ સર્જરી (રેડિકલ નેફ્રેક્ટમી) સફળતાપૂર્વક કરી.
આ કોઈ જાદુ નહીં, પણ વિજ્ઞાન અને આધુનિક ટેકનોલોજીનો સમન્વય છે:
- રોબોટિક સિસ્ટમ: આ ઑપરેશન માટે અત્યંત આધુનિક Medbot Toumai રોબોટિક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો.
- રિયલ-ટાઈમ કનેક્ટિવિટી: હાઈ-સ્પીડ ઈન્ટરનેટ અને મજબૂત નેટવર્કના કારણે ડૉક્ટર મુંબઈથી જે રીતે રોબોને કમાન્ડ આપતા હતા એ જ ક્ષણે મસ્કતમાં રોબો ઑપરેશન કરી રહ્યો હતો.
- ચોકસાઈ: રોબોટિક સર્જરીમાં ભૂલની શક્યતા નહિવત્ રહે અને ઑપરેશન વધુ સચોટ રીતે થાય.
ત્રણ અદ્યતન રોબોટિક પ્લેટફોર્મથી સજ્જ આ હૉસ્પિટલ દેશની પ્રાઈવેટ હૉસ્પિટલોમાં મલ્ટી-ડિસિપ્લિનરી રોબોટિક સર્જરી માટે નંબર 1 સેન્ટર ગણાય છે.
ત્રણ રીતે આ સિદ્ધિ મહત્વની છે:
- સીમાડા ભૂંસાયા: ભારતની આ પ્રથમ ‘ક્રોસ-બોર્ડર’ (આંતરરાષ્ટ્રીય) રિમોટ સર્જરી છે. એટલે કે, હવે ભારતીય ડૉક્ટરો દેશમાં રહીને જ દુનિયાના કોઈપણ ખૂણે સારવાર આપી શકશે.
- મુસાફરીની જરૂર નહીં: ગંભીર બીમારીમાં દર્દીને બીજા દેશમાં લઈ જવાની તકલીફ અને ખર્ચ હવે ઘટશે. નિષ્ણાત ડૉક્ટર પોતે ટેકનોલોજી દ્વારા દર્દી સુધી પહોંચશે.
- ભારત વૈશ્વિક કેન્દ્ર બન્યું: અત્યાર સુધી વિદેશીઓ સારવાર માટે ભારતમાં આવતા હતા, પણ હવે ભારત પોતાની ‘મેડિકલ એક્સપર્ટાઈઝ’ દુનિયાના ખૂણે-ખૂણે ડિજિટલ માધ્યમથી મોકલી રહ્યું છે.
ડૉ. ટી. બી. યુવરાજા, ડાયરેક્ટર (રોબોટિક સર્જરી) કહે છેઃ “આ માત્ર સર્જરી નથી, પણ ભાવિ હેલ્થકૅરની ઝલક છે. હવે શ્રેષ્ઠ સારવાર માટે દર્દીએ એ જ શહેરમાં હોવું જરૂરી નથી. ભારત હવે વિશ્વને રિયલ-ટાઈમ મેડિકલ સર્વિસ આપનારો દેશ બની ગયો છે.”
તો કોકિલાબેન અંબાણી હૉસ્પિટલના સીઈઓ ડૉ. સંતોષ શેટ્ટી કહે છેઃ ” ટેકનોલોજીના કારણે અમારી હૉસ્પિટલ હવે ‘ગ્લોબલ કમાન્ડ સેન્ટર’ બની રહી છે. મસ્કતના કેન્સર દર્દી સુધી ભારતની ઉચ્ચ કક્ષાની સારવાર પહોંચાડવી અમારા માટે ગૌરવની વાત છે.”
ઉલ્લેખનીય છે કે આ સર્જરીમાં દર્દીની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું અને Central Drugs Standard Control Organization (CDSCO)ના બધા નિયમોનું પાલન કરવામાં આવ્યું.
આ સિદ્ધિ સાથે ભારતે સાબિત કરી દીધું છે કે મેડિકલ સાયન્સના ક્ષેત્રે હવે ડિસ્ટન્સ સારવારમાં બાધા રૂપ બની શકશે નહીં.


