નવી દિલ્હીઃ હોર્મુઝ સ્ટ્રેટ પર ઇરાનના જહાજ પર અમેરિકી નેવીના હુમલા પછી હવે ઇરાને પણ પલટવાર કર્યો છે. અમેરિકી સેના દ્વારા જહાજ પરના હુમલાને ઇરાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ પોતાના પાકિસ્તાની સમકક્ષ ઇશાક ડાર સાથે ફોન પર વાત કરી. એ દરમિયાન તેમણે અમેરિકા પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે અમેરિકા પહેલેથી જ અનેક વખત વિશ્વાસ તોડી ચૂક્યું છે અને તાજેતરની ઘટનાઓ પણ એ જ બતાવે છે. અરાઘચીએ ખાસ કરીને જૂન અને માર્ચ 2025ની તે ઘટનાઓનો ઉલ્લેખ કર્યો, જ્યારે વાતચીત ચાલી રહી હોવા છતાં ઈરાન વિરુદ્ધ અમેરિકી સૈન્ય કાર્યવાહી થઈ હતી.

તેમણે કહ્યું હતું કે તાજેતરમાં પણ અમેરિકાએ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે અને ઈરાનનાં બંદરો, કિનારાઓ અને જહાજોને લઈને ધમકીઓ આપી છે. ઉપરાંત અમેરિકાની તરફથી સતત કડક અને ધમકીભર્યા નિવેદનો આપવામાં આવી રહ્યાં છે. તેમના જણાવ્યા મુજબ અમેરિકાની માગોઓ પણ સ્પષ્ટ નથી, વારંવાર બદલાય છે અને ઘણી વખત એકબીજાના વિરોધાભાસી હોય છે.
અમેરિકાની નિયત ઠીક નથી – ઈરાન
ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે આ તમામ બાબતોમાંથી સ્પષ્ટ થાય છે કે અમેરિકાની નિયત ઠીક નથી અને તે કૂટનીતિને ગંભીરતાથી લેતું નથી. તેમણે એ પણ સંકેત આપ્યો કે આવા વલણથી કોઈ પણ પ્રકારની વાતચીત અથવા સમજૂતીની શક્યતા નબળી પડે છે.

શહબાઝ શરીફ – મસૂદ પેઝેશ્કિયાનની વાતચીત
પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે ફોન પર વાત કરી. પાકિસ્તાનના વડા પ્રધાનના કાર્યાલય મુજબ આ વાતચીત દરમિયાન ક્ષેત્રની વર્તમાન પરિસ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા થઈ. ઇરાન-US વચ્ચે વાતચીતને એટલા માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કારણ કે આ એવો સમય છે, જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે બીજા તબક્કાની ચર્ચાની તૈયારીઓ ચાલી રહી છે અને સમગ્ર વિસ્તારમાં તણાવ યથાવત્ છે.


