US ડેલાવર સ્ટેટ સેનેટમાં સદગુરુનું પ્રવચન

ડેલાવરઃ સદગુરુને  ડેલાવરમાં આમંત્રિત કરાયા એ ખરેખર મહત્વની બાબત હતી. આ સામાન્ય પ્રવચન કે કોઈ પ્રોગ્રામ નહોતો. અમેરિકાના સરકારી વિધાનસભામાં એક આધ્યાત્મિક ગુરુને આમંત્રિત કરવા એ ખાસ ઘટના ગણી શકાય. આ માટે ડેલાવર સ્ટેટમાં  રાજકારણમાં સક્રિય પલાશ ગુપ્તાનો ફાળો ખૂબ મહત્વનો હતો. તેમના પ્રયાસો થકી અહી બધાને સદગુરુનાં પ્રવચનનો અને તેમને પ્રત્યક્ષ મળવાનો લહાવો મળ્યો.

સ્ટેટ સેનેટ દ્વારા સદગુરુને ખાસ માન આપવામાં આવ્યું હતું. ત્યાં તેમનું સંબોધન અને પછી ટૂંકું પ્રવચન હતું. આ પહેલાં અંગત આમંત્રિત મહેમાનો સાથે પલાશ ગુપ્તાએ સદગુરુ સાથે વાર્તાલાપ ગોઠવ્યો હતો. જેના મુદ્દા હતા આંતરિક ઉન્નતિ અને સુખ. સમાજ સુધારા માટે જાગૃતિ અને બાળકોના વિકાસ માટે મેડિટેશનનું મહત્વ. તેમના લેકચરમાં કોઈ એક ભગવાન ગુરુ કે ધર્મની વાત નહોતી. વ્યક્તિના પોતાની અંદરના આત્માની, વિકાસની અને આચાર-વિચારની વાત હતી..

સદગુરુ સતત પ્રવાસ કરે છે. યુનિવર્સિટીઓ, વૈશ્વિક મંચો પર ભાષણ આપે છે.  ખૂબ વ્યસ્ત અને અતિ સક્રિય એવા હોવા છતાં તેમના ચહેરા ઉપર અદ્ભુત  શાંતિ અને બાળક જેવુ હાસ્ય કોઈને પણ મોહી લે એવા છે. આ કાર્યક્રમનો ભાગ બન્યાની ખુશી અને તક ખાસ હતા. બાકી ભારતમાં તેમણે સહેલાઈથી મળવું આટલું સહજ નથી હોતું એ પણ હકીકત છે.  એક ભારતીય યોગી, આધ્યાત્મિક ગુરુ અને વક્તા છે. ઇસા ફાઉન્ડેશન જે માનસિક, શારીરિક અને આધ્યાત્મિક વિકાસ માટે કાર્ય કરે છે.  તેમણે વિશ્વભરમાં યોગ અને આંતરિક વિકાસ માટે ઘણા કાર્યક્રમો શરૂ કર્યા છે.

સદગુરુ દ્વારા ઈનર એન્જિનિયરિંગ એક પ્રોગ્રામ છે જેમાં ધ્યાન, શ્વાસ અને યોગ દ્વારા આંતરિક સંતુલન ઓન લાઇન ફ્રી શીખવવામાં આવે છે. શંભવી મહામુદ્રા જેવી શક્તિશાળી ક્રિયાઓ મન સાથે શરીરની ઊર્જામાં વધારો કરે છે. દરેક વ્યક્તિએ માત્ર 10 મિનિટ કશું જ ના કરતાં શાંતિથી આંખ બંધ કરીને બેસવું એ પણ યોગનો ભાગ છે.  આમ કરવાથી કાર્યક્ષમતા અને ખુશી બંને વધે છે.

(રેખા પટેલ-ડેલાવર, અમેરિકા)