ઇફ્કો દ્વારા દેશવ્યાપી નેનો ખાતર જાગરુકતા ઝુંબેશનો પ્રારંભ

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી ખાતર સહકારી સંસ્થા IFFCO (ઇફકો)એ આજે દેશવ્યાપી “ઇફકો નેનો ખાતર જાગૃતિ મહા અભિયાન”નું ઔપચારિક પ્રારંભ કર્યો હતો. આ વ્યાપક રાષ્ટ્રીય અભિયાનનો હેતુ ખેડૂતોમાં નેનો ખાતરોના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. ઇફકોના અધ્યક્ષ દિલીપ સંઘાણીએ નવી દિલ્હીમાં આ માટેના કાર્યક્રમનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઇફકોના મેનેજિંગ ડિરેક્ટર  કે. જે. પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ અભિયાન માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહની પ્રેરણાથી શરૂ કરવામાં આવ્યું છે અને “આત્મનિર્ભર ભારત” તથા “સહકારથી સમૃદ્ધિ” જેવા રાષ્ટ્રીય મિશનો સાથે સંકળાયલું છે. આ પહેલને કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણજી તેમ જ આરોગ્ય, પરિવાર કલ્યાણ, રસાયણ અને ખાતર મંત્રી જે. પી. નડ્ડાનો પણ ટેકો મળ્યો છે.

કેન્દ્ર સરકારના ખાતર નિયંત્રણ આદેશ (FCO) હેઠળ નેનો NPK લિક્વિડ (8-8-10) અને નેનો NPK ગ્રેન્યુલર (20-10-10)ને ઔપચારિક રીતે મંજૂરી મળવી કૃષિ નવીનતાની દિશામાં ઐતિહાસિક પગલું ગણાવવામાં આવ્યું છે. ઇફકોએ જણાવ્યું કે કોઇમ્બતુર સ્થિત ઇફકો-નેનોવેન્શન ઇનોવેશન હબ તથા બ્રાઝિલમાં નેનો ખાતર ઉત્પાદન સંયુક્ત સાહસ જૂન 2026 સુધી કાર્યરત થવા તૈયાર છે.

આ પ્રસંગે સંબોધન કરતાં ઇફકોના અધ્યક્ષ દિલીપ સંઘાણીએ જણાવ્યું કે ભારત આજે પરંપરા અને ટેક્નોલોજીના ઐતિહાસિક સંગમ પર ઊભું છે અને આ સંગમ ભારતીય કૃષિને નવી દિશા આપી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે ભારતની સમૃદ્ધિ ગામડાં અને ખેડૂતોમાંથી વહેવી જોઈએ અને ખેડૂત સશક્ત બનશે ત્યારે જ આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર થશે.ઇફકોએ અત્યાર સુધી નાનો યુરિયા પ્લસ લિક્વિડની 218 લાખથી વધુ બોટલો અને નાનો DAP લિક્વિડની 64.26 લાખથી વધુ બોટલોનું વેચાણ કર્યું છે. નાનો ઝિંક અને નાનો કોપર ઉત્પાદનોની પ્રથમ વર્ષમાં અનુક્રમે 57 લાખ અને બે લાખ બોટલોનું વેચાણ નોંધાયું છે.નાનો યુરિયા પ્લસની 208.26 લાખ બોટલો પરંપરાગત યુરિયાના 9.37 લાખ મેટ્રિક ટન બરાબર છે, જ્યારે નાનો DAPની 57.89 લાખ બોટલો DAPના 2.89 લાખ મેટ્રિક ટન સમકક્ષ છે. આથી દેશને લોજિસ્ટિક્સ, ઊર્જા અને આયાત ખર્ચમાં નોંધપાત્ર બચત થાય છે. ઇફકોના આ નેનો ઉત્પાદનો કૃષિ ઉત્પાદનક્ષમતા વધારવા અને ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપવા બંને હેતુઓ સિદ્ધ કરે છે, જે ભારત સરકારની સંતુલિત અને જવાબદાર પાક પોષણની દ્રષ્ટિ સાથે સુસંગત છે.