ગુજરાતમાં પ્રજનનક્ષમતા દર ઘટીને 1.9, ક્યા કારણો છે જવાબદાર?

અમદાવાદ: આગામી 6, 7 અને 8 ડિસેમ્બર દરમિયાન ગાંધીનગરના મહાત્મા ગાંધી કનેક્શન હાલ ખાતે ઇન્ડિયન ફર્ટિલિટી સોસાયટી દ્વારા એક ખાસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ 20મી વાર્ષિક કોન્ફરન્સનું ફર્ટિવેશન 2024 નામ આપવામાં આવ્યું છે. જેમાં ફક્ત ગુજરાત જ નહીં પરંતુ દેશભરના તથા અન્ય દેશમાંથી પણ એક્સપર્ટ તબીબો ભાગ લેવાના છે. લગભગ 750થી વધુ લોકો ભાગ લેવાના છે, ત્યારે તે પૂર્વે ઇન્ડિયન ફર્ટિલિટી સોસાયટી દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

કોન્ફરન્સ અંગે વાત કરતા નિષ્ણાંત તબીબોએ જણાવ્યું કે, સતત ઘટી રહેલા પ્રજજન દરથી દક્ષિણ કોરિયા આગામી 100 વર્ષ કરતાં પણ ઓછા સમયમાં ‘ગાયબ’ થઇ જાય તેવો ચિંતાજનક અહેવાલ તાજેતરમાં આવ્યા હતા. જીવનશૈલીને કારણે ગુજરાતમાં પણ પ્રજજક્ષમતાનો દર સતત ઘટી  રહ્યો છે. ગુજરાતમાં હાલ પ્રજજનક્ષમતા દર 1.9 છે. સમગ્ર દેશમાં રિપ્લેસમેન્ટ ફર્ટિલિટી રેટ 2.1 છે. મતલબ કે, એક મહિલા બે બાળકને જન્મ આપે તો વસતી દર સ્થિર રહે. દેશમાં હાલ માત્ર પાંચ રાજ્ય એવા છે જેનો ફર્ટિલિટી રેટ બેથી વઘુ છે.ઇન્ડિયન ફર્ટિલિટી સોસાયટીના જોઈન સેક્રેટરી ડોક્ટર જયેશ અમીને જણાવ્યું હતું કે, દેશમાં વંધ્યત્વનું પ્રમાણ દિવસે અને દિવસે વધતું જઈ રહ્યું છે. હાલમાં દેશમાં 10થી 12 ટકા દંપતી વંધ્યત્વથી પીડાય છે. તથા તેનું મુખ્ય કારણ તમાકુનું સેવન અને ધુમ્રપાન કરવું. કારણ કે, વિવિધ રિસર્ચમાં પણ જાણવા મળ્યું છે કે, તમાકુના સેવનથી તકલીફ સર્જાઈ શકે છે. આ ઉપરાંત મહિલાઓમાં ઇન્ફર્ટિલિટીનું મુખ્ય કારણ PCOD ત્યાં અંડાશયની કોથળીમાં ઈંડાનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવું. આ ઉપરાંત પણ મોડી ઉંમરે લગ્ન થવા અને 30 વર્ષ બાદ ગર્ભ ધારણ કરો તે ઇન્ફર્ટિલિટીનું મુખ્ય કારણ હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, સામન્ય રીતે 24થી 30 વર્ષની મહિલાઓમાં ફર્ટિલિટીનું પ્રમાણ વધુ રહે છે. કારણ કે, આ વર્ષ દરમિયાન અંડાશયના ઈંડાઓનું પ્રમાણ વધુ હોય છે અને તેની ગુણવત્તા પણ સારી હોય છે. તેથી મહિલાઓ 24થી 30 વર્ષની ઉંમરમાં માતૃત્વ ધારણ કરવા માટે સક્ષમ હોય છે.બીજી તરફ ડો. ચૈતન્ય નાગોરીએ જણાવ્યું કે, ‘વ્યંધત્વ હેઠળ કરવામાં આવતી સારવારને પણ ઈન્સ્યોરન્સ હેઠળ આવરી લેવા અંગે વિચારણા થવી જોઇએ. સમગ્ર દેશમાં દર વર્ષે 2.50 લાખ આઇ.વી.એફ. સાયકલ થાય છે. આગામી થોડા વર્ષમાં આઇ.વી.એફ. સાયકલનો દર પાંચ લાખને પાર જઇ શકે છે.’બદલાતી જીવનશૈલી, મોટી ઉંમરે લગ્ન થવા, મોટી ઉંમરે સંતાનને જન્મ આપવાનો નિર્ણય લેવો જેવા પરિબળોને કારણે પ્રજજનદર ઉપર વઘુ અસર પડી રહી છે. પ્રજજનક્ષમતા દર ઓછો હોય તેવા મોટા રાજ્યોમાં ગુજરાત ઉપરાંત પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, પંજાબ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, તામિલનાડુ, કેરળ, ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. સમગ્ર દેશમાં સિક્કિમમાં 1.1 સાથે સૌથી ઓછો પ્રજજનક્ષમતા દર છે. આ સિવાય આંદમાન નિકોબાર, ગોવા, લદ્દાખમાં પણ પ્રજજનક્ષમતા દર માત્ર 1.1 છે.