અલ્પસંખ્યકો પર હુમલાઓ મુદ્દે ભારતની બાંગ્લાદેશને આકરી ચેતવણી

નવી દિલ્હીઃ વિદેશ મંત્રાલયે શુક્રવારે બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય અલ્પસંખ્યકો સામે તાજેતરમાં થયેલી હિંસા અંગે કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. મંત્રાલયે ચેતવણી આપી છે કે આવી ઘટનાઓને માત્ર મિડિયા દ્વારા વધારીને રજૂ કરાયેલા સમાચાર અથવા રાજકીય હિંસા કહીને અવગણવામાં નહીં આવે.

બાંગ્લાદેશમાં થયેલી તાજેતરની ઘટનાઓ પર પ્રતિભાવ આપતાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં તેમણે બાંગ્લાદેશમાં ફેલાતી ખોટી માહિતી (ફેક ન્યૂઝ)ને નકારી કાઢતાં અનેક નિવેદનો જાહેર કર્યાં છે.તેમણે કહ્યું હતું કે બાંગ્લાદેશમાં તાજેતરમાં બનેલા ઘટનાક્રમોથી તેઓ સંપૂર્ણ રીતે અવગત છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં હિંદુ, ખ્રિસ્તી અને બૌદ્ધ સહિતના અલ્પસંખ્યકો સામે ઉગ્રવાદીઓ દ્વારા કરવામાં આવી રહેલી સતત હિંસા અત્યંત ચિંતાજનક છે. તેમણે તાજેતરમાં હિંદુ યુવક અમૃત મંડલની થયેલી જઘન્ય હત્યાની કડક નિંદા કરી અને આશા વ્યક્ત કરી હતી કે આ ગુનાના દોષિતોને વહેલી તકે ન્યાયના દાયરામાં લાવવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે વચગાળાની સરકારના સમયગાળામાં સ્વતંત્ર સ્ત્રોતોએ અલ્પસંખ્યકો સામે 2900થી વધુ હિંસાત્મક ઘટનાઓ નોંધાવી છે, જેમાં હત્યા, આગ ચાંપવી અને જમીન કબજા જેવા કેસો સામેલ છે. બાંગ્લાદેશના રાજબારી જિલ્લામાં એક અન્ય મંડલને માર મારીને હત્યા કરવામાં આવી હોવાની ઘટનાના એક દિવસ બાદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકારે કહ્યું હતું કે આ ઘટના સાંપ્રદાયિક હિંસાથી જોડાયેલી નથી. સરકારના જણાવ્યા અનુસાર મૃતક મંડલ સામે અનેક ગંભીર ગુનાઓના આરોપો હતા.

બાંગ્લાદેશ સરકારે નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે હત્યાના મામલે સોશિયલ મિડિયા પર ફેલાતી “ભ્રામક માહિતી”ની નોંધ લીધી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે ભારત બાંગ્લાદેશમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીનું સમર્થન કરે છે. તેમણે ઉમેર્યું હતું કે બીએનપીના નેતા તારિક રહમાનની 17 વર્ષ બાદ વાપસીને પણ આ જ સંદર્ભમાં જોવી જોઈએ.