ભારતે દક્ષિણ આફ્રિકાને 359 રનનું આપ્યું લક્ષ્ય

રાયપુરઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજો વનડે આંતરરાષ્ટ્રીય મેચ છત્તીસગઢની રાજધાની રાયપુર સ્થિત શહીદ વીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાઈ રહી છે. દક્ષિણ આફ્રિકાના કપ્તાન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું.

રોહિત શર્મા સારી લયમાં હોવા છતાં 8 બોલમાં 14 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ત્યાર બાદ યશસ્વી જયસ્વાલ અને વિરાટ કોહલીએ બાજી સંભાળી હતી. ઋતુરાજ ગાયકવાડે 77 બોલમાં સદી ફટકારી હતી, જ્યારે વિરાટ કોહલીએ 90 બોલમાં 53મી વનડે આંતરરાષ્ટ્રીય સદી પૂરી કરી હતી.ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ વનડેની શ્રેણીમાં યજમાન ટીમ હાલમાં 1-0 થી આગળ છે. કે. એલ રાહુલની આગેવાની હેઠળની ભારતીય વનડે ટીમે રાંચીના JSCA આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ કોમ્પલેક્સમાં રમાયેલી પ્રથમ મેચમાં 17 રનથી જીત મેળવી હતી.

બીજા વનડેમાં ભારતે દક્ષિણ આફ્રિકાને જીત માટે 359 રનનું લક્ષ્ય આપ્યું છે. ભારતે કે.એલ. રાહુલ, વિરાટ કોહલી અને ઋતુરાજ ગાયકવાડની ઇનિંગ્સની મદદથી 50 ઓવરમાં પાંચ વિકેટ પર 358 રન બનાવ્યા હતા કે.એલ. રાહુલ 43 બોલમાં 66 અને રવીન્દ્ર જાડેજા 27 બોલમાં 24 રન બનાવીને નોટઆઉટ રહ્યા હતા કે.એલ. રાહુલે પોતાની ઇનિંગ્સ દરમ્યાન 6 ચોગ્ગા અને 2 છગ્ગા લગાવ્યા હતા રવીન્દ્ર જાડેજાએ બે ચોગ્ગા જ ફટકાર્યા હતા.

દક્ષિણ આફ્રિકાની પ્લેઇંગ ઇલેવનમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. ટેમ્બા બાવુમા, કેશવ મહારાજ અને લુગી એનગિડી અંતિમ અગિયારમાં સામેલ છે. ભારતની પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.