ભારત શરણાર્થીઓ માટે કોઈ ધર્મશાળા નથીઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે શરણાર્થીઓ વિશે મહત્વની ટિપ્પણી કરી હતી. કોર્ટે એક કેસની સુનાવણીમાં કહ્યું હતું કે ભારત કોઈ ધર્મશાળા નથી, દુનિયાભરમાંથી આવેલા દરેક શરણાર્થીને આપણે શરણ કેમ આપીએ? આપણે પહેલેથી જ 140 કરોડ લોકો સાથે સંઘર્ષ કરી રહ્યા છીએ. દરેક જગ્યાએથી આવેલા શરણાર્થીઓને આપણે શરણ આપી નથી શકતા.

કોર્ટમાં ન્યાયમૂર્તિ દીપાંકર દત્તાએ શ્રીલંકાથી આવેલા એક તમિળ શરણાર્થીને હિરાસતમાં લેવાના કેસમાં હસ્તક્ષેપ કરવા ઇનકાર કર્યો હતો અને આ વાત કહી હતી. શ્રીલંકાના એક નાગરિકની અટકની વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી, પણ કોર્ટે તેમાં દખલ કરવા ઈનકાર કર્યો. ખંડપીઠે મદ્રાસ હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં જણાવ્યું હતું કે અરજીકર્તાએ UAPA કાયદા હેઠળ મળેલી સાત વર્ષની સજા પૂરી કર્યા બાદ તરત ભારત છોડવું પડશે.

શ્રીલંકાના અરજીકર્તાના વકીલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે તે શ્રીલંકાની તમિળ જાતિનો છે, જે વિઝા પર ભારતમાં આવ્યો હતો અને પોતાના દેશમાં તેને જાનનો ખતરો હતો. અરજીકર્તા વિસ્થાપિત (deportation) પ્રક્રિયા વિના લગભગ ત્રણ વર્ષથી નજરકેદ છે.

ન્યાયમૂર્તિ દત્તાએ પૂછ્યું કે અહીં વસવાટ કરવાનો તમારો શો અધિકાર છે? વકીલે પુનઃ કહ્યું હતું કે અરજીકર્તા એક શરણાર્થી છે. ન્યાયમૂર્તિ દત્તાએ જણાવ્યું હતું કે સંવિધાનના કલમ 19 અનુસાર ભારતમાં વસવાનો મૂળભૂત અધિકાર માત્ર નાગરિકોને જ છે. જ્યારે વકીલે કહ્યું હતું કે અરજીકર્તાને તેના દેશમાં જાનનો ખતરો છે, ત્યારે ન્યાયમૂર્તિ દત્તાએ જણાવ્યું કે તો કોઈ બીજો દેશ શોધો.

વર્ષ 2015માં અરજીકર્તાને બે અન્ય લોકોને સાથે LTTE સંચાલક હોવાની આશંકામાં ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ 2018માં તેને UAPAની કલમ 10 હેઠળ ટ્રાયલ કોર્ટે દોષિત ઠેરવ્યો હતો અને તેને 10 વર્ષની કેદની સજા થઇ હતી. મદ્રાસ હાઈકોર્ટે વર્ષ 2022માં તેની સજા ઘટાડીને સાત વર્ષ કરી હતી, પણ આ આદેશ આપ્યો હતો કે સજા પૂરી થતાં જ તે ભારત છોડે અને તે ત્યાં સુધી શરણાર્થી શિબિરમાં રહે.