નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન ટેન્શન વચ્ચે ભારતે પાકિસ્તાન બાદ હવે ચીન પર પણ ડિજિટલ સ્ટ્રાઈક કરી છે. જેમાં કેન્દ્ર સરકારે સતત ભારત વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવવા બદલ ભારતમાં ચીનના ન્યૂઝપેપર ગ્લોબલ ટાઇમ્સના X એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે આ એકાઉન્ટ દ્વારા ભારતીય સેના વિશે ખોટા અને અપ્રમાણિત દાવાઓ ફેલાવવામાં આવ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું હતું, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
ચીનના ન્યૂઝપેપર ગ્લોબલ ટાઇમ્સ દ્વારા સતત ફેલાવવામાં આવી રહેલા પ્રચાર અંગે ભારતીય દૂતાવાસે કડક ચેતવણી આપી હતી. બીજિંગમાં ભારતીય દૂતાવાસે ગ્લોબલ ટાઇમ્સ ન્યૂઝને ચેતવણી આપી હતી કે કોઈ પણ ભ્રામક માહિતી પોસ્ટ કરતાં પહેલાં તથ્યો તપાસો અને સ્ત્રોતોની ચકાસણી કરો.
આ મામલો ઓપરેશન સિંદૂર પછીનો છે. જેમાં કેટલાક પાકિસ્તાની મિડિયા અને સોશિયલ મિડિયા એકાઉન્ટ્સે દાવો કર્યો હતો કે ભારતીય વાયુસેનાના રાફેલ વિમાનને બહાવલપુર નજીક તોડી પાડવામાં આવ્યું હતું. ગ્લોબલ ટાઈમ્સ પર આ ખોટી માહિતી ફેલાવવાનો અને મુખ્ય ન્યૂઝ તરીકે છાપવાનો આરોપ છે. આ ઉપરાંત PIB ફેક્ટ ચેક ટીમે આ દાવાઓ અંગે વાઇરલ થઈ રહેલી તસવીરને ભ્રામક અને જૂની ગણાવી હતી. તેમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ તસવીર વાસ્તવમાં 2021માં પંજાબના મોગા જિલ્લામાં થયેલા મિગ-21 ક્રેશની છે અને તેનો વર્તમાન ઓપરેશન સિંદૂર સાથે કોઈ સંબંધ નથી.
