આતંકવાદ, બાળકોના શોષણ મુદ્દે ભારતે UNમાં પાકિસ્તાનને ઘેર્યું

નવી દિલ્હીઃ ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનને જોરદાર ફટકાર લગાવીને આતંકવાદ અને બાળકોના અધિકારોના ઉલ્લંઘન મુદ્દે ઘેર્યું છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ UNGAના 80મા સત્રમાં ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે પાકિસ્તાન અને પાકિસ્તાની કબજાવાળા કાશ્મીરમાં ભારતની આતંકવાદવિરોધી કાર્યવાહીને નાગરિકો, ખાસ કરીને બાળકોની સુરક્ષા માટે જરૂરી અને કાયદેસર ગણાવી હતી.

નિશિકાંત દુબેએ શું કહ્યું?

નિશિકાંત દુબેએ કહ્યું હતું કે પાકિસ્તાન બાળકો અને સશસ્ત્ર સંઘર્ષ (CAC) એજન્ડાના સૌથી ગંભીર ઉલ્લંઘન કરનારા દેશોમાંનો એક છે. તેમણે સરહદ પારના આતંકવાદ, ગોળાબારી અને હવાઈ હુમલાઓમાં પાકિસ્તાનની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો, જેને કારણે અફઘાન બાળકોનાં મોત અને અપંગતા થઈ છે. આ માટે તેમણે CAC મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવની 2025ની અહેવાલનો ઉલ્લેખ કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે અમે પાકિસ્તાન દ્વારા તેની સરહદોની અંદર બાળકો સામે થતા ગંભીર દુર્વ્યવહારોથી દુનિયાનું ધ્યાન હટાવવાની કોશિશની કડક નિંદા કરીએ છીએ. આ વાત મહાસચિવની CAC 2025ની અહેવાલ અને ચાલુ સરહદ પારના આતંકવાદથી સ્પષ્ટ થાય છે.

ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ

તેમણે પહેલગામના આતંકી હુમલાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સમુદાય પાકિસ્તાની આતંકવાદીઓના ક્રૂર હુમલાઓને ક્યારેય ભૂલી શકશે નહીં. આ હુમલા પછી ભારતે મે, 2025માં ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું હતું. આ ઓપરેશન અંતર્ગત પાકિસ્તાન અને પાકિસ્તાની કબજાવાળા જમ્મુ-કાશ્મીર વિસ્તારમાં આતંકી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઇક કરવામાં આવી હતી.

તેમણે જણાવ્યું હતું કે ભારતે સંતુલિત અને સંયમિત પ્રતિસાદ આપીને આતંકવાદ સામે પોતાના નાગરિકોની રક્ષા કરવા પોતાના કાયદેસરના અધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાને જાણીજોઈને સરહદ નજીકનાં ગામોને નિશાન બનાવ્યાં હતાં, જેમાં બાળકો સહિત અનેક નાગરિકો માર્યા ગયા. તેમણે કહ્યું હતું કે આવાં કૃત્યોમાં સામેલ હોવા છતાં પાકિસ્તાનનું આંતરરાષ્ટ્રીય મંચો પર ઉપદેશ આપવો એ મોટું પાખંડ છે.