પુણેઃ દેશની સૌથી મહત્ત્વાકાંક્ષી માર્ગ યોજનાઓમાં સામેલ પુણે-મુંબઈ એક્સપ્રેસવેના ‘મિસિંગ લિંક’ પ્રોજેક્ટ પર ચોમાસાની શરૂઆતના વરસાદે બાંધકામની ગુણવત્તા અંગે સવાલો ઊભા કર્યા છે. અંદાજે રૂ. 6695 કરોડના ખર્ચે તૈયાર થયેલી આ યોજનાનું પહેલી મેએ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, પરંતુ માત્ર બે મહિનામાં જ રસ્તા પર ખાડા જેવા પેચ જોવા મળ્યા છે. સોશિયલ મિડિયા પર વિડિયો વાયરલ થયા બાદ મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MSRDC)એ તાત્કાલિક સમારકામના આદેશ આપ્યા છે.
ચોમાસાની શરૂઆત બાદ પુણે-મુંબઈ એક્સપ્રેસવેના 13.3 કિલોમીટર લાંબા ‘મિસિંગ લિંક’ના અનેક સ્થળોએ રસ્તાની ઉપરની સપાટી ઊખડતી હોવાનું સામે આવ્યું છે. વિડિયો સામે આવ્યા બાદ મુસાફરોએ નવી બનેલી રોડની ગુણવત્તા અંગે સવાલો ઉઠાવ્યા છે. MSRDCના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ઠેકેદારને દર બે કલાકે રસ્તાનું નિરીક્ષણ કરવા અને જ્યાં પણ કોઈ ખામી જોવા મળે ત્યાં તરત જ સમારકામ કરવા સૂચના આપવામાં આવી છે. એ સાથે જ બાંધકામ એજન્સીને ચેતવણી પણ આપવામાં આવી છે.
મુખ્યમંત્રી શું બોલ્યા?
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે સમગ્ર ‘મિસિંગ લિંક’ પર ખાડા પડી ગયા છે એવું કહેવું યોગ્ય નથી. જોકે સોશિયલ મિડિયા પર સામે આવેલા કિસ્સાઓની તપાસ કરીને જરૂરી સમારકામ કરવામાં આવશે.

ખામીનું કારણ શું?
MSRDCના અધિકારીઓના જણાવ્યા મુજબ કેટલાંક સ્થળોએ બિટુમિનની ઉપરની સપાટી અને તેની નીચેની કોંક્રીટ લેયર વચ્ચે પૂરતું બંધન (બોન્ડિંગ) ન હોવાને કારણે આ સમસ્યા સર્જાઈ છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં સમારકામનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. MSRDCના સંયુક્ત વ્યવસ્થાપક નિયામક રાજેશ પાટિલે જણાવ્યું કે ભારે વરસાદ અને સતત ટ્રાફિકને કારણે પાણી અંદર સુધી પહોંચી જતાં બિટુમિનની સપાટી નબળી પડી જાય છે, જેને કારણે રસ્તો ઝડપથી ખરાબ થવા લાગે છે. હાલ દેખરેખ વધારી દેવામાં આવી છે જેથી કોઈ પણ ખામી સામે આવે તો તાત્કાલિક સમારકામ કરી શકાય.




