SIRની અસરઃ બાંગ્લાદેશ બોર્ડર પર ગેરકાયદે પ્રવાસીઓની ભીડ

નવી દિલ્હીઃ બાંગ્લાદેશની સરહદ સાથે જોડાયેલા પશ્ચિમ બંગાળમાં હાલના દિવસોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. બંગાળમાં વર્ષોથી રહેતા ગેરકાયદે બાંગ્લાદેશીઓ દેશમાં પાછા જવાની દોડમાં લાગ્યા છે. કારણ એક જ છે—SIR. પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે યોજાનારી ચૂંટણી પહેલાં મતદાર યાદીની ખાસ સમીક્ષા (SIR) શરૂ થઈ ચૂકી છે. તેની જ અસર છે કે ગેરકાયદે બાંગ્લાદેશીઓમાં ભાગદોડ મચી છે. સુટકેસ-બેગ અને બોરીઓમાં સામાન ભરીને સેકડો લોકો બોર્ડર પાર કરવા માટે રાહ જોઈ રહ્યા છે.

ના આધાર, ના દસ્તાવેજ તોય દાયકાઓથી રહે છે

ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર ઉત્તર 24 પરગણા જિલ્લાના સ્વરૂપનગરમાં ચેકપોસ્ટ પાસે ગેરકાયદે બાંગ્લાદેશીઓની ભીડ છે. કોલકાતાથી લગભગ 80 કિમી દૂર આવેલા આ વિસ્તારમાં ઘણા લોકો પાંચ વર્ષથી લઈને 20 વર્ષથી ભારત રહેતા હતા

20 વર્ષ પહેલાં પરિવાર સાથે આવ્યા

સ્વરૂપનગરના હાકીમપુર ચેકપોસ્ટ પાસેના તાત્કાલિક શેલ્ટર હોમમાં આવી અનેક કહાનીઓ જોવા મળે છે. વિવિધ સ્થળોથી આવેલા લોકો કોઈ પણ રીતે ચેકપોસ્ટ પાર કરીને બાંગ્લાદેશ પહોંચવા ઊમટી રહ્યા છે. એમાંનો એક છે—મેહંદી હસન. તે લગભગ 20 વર્ષ પહેલાં માતા–પિતા સાથે ભારતમાં આવ્યો હતો. ત્યારે તે નાનો હતો અને પરિવાર સાથે હુગલીમાં રહેતો હતો. તેણે કહ્યું કે આંખના સારવાર માટે તેઓ ભારત આવ્યા હતા, પછી અહીં જ વસવાટ કરી લીધો. આટલાં વર્ષોમાં કોઈએ અમારા દસ્તાવેજો ક્યારેય તપાસ્યા નહોતા. હવે SIR શરૂ થતા અમે પાછા બાંગ્લાદેશ જઈ રહ્યા છીએ.

બાંગ્લાદેશ જવા માગતા લોકોની ભીડ

હાકીમપુરમાં સેંકડો લોકો બોર્ડર પાર કરીને બાંગ્લાદેશ જવાની કોશિશ કરી રહ્યા છે. બશીરહાટ ડિવિઝનની હાકીમપુર ચેકપોસ્ટ પર છેલ્લા કેટલાક દિવસોથી બાંગ્લાદેશ જવાના ઈચ્છુક લોકોની ભીડ છે. 18 વર્ષનો અલીમ ખાન પોતાના પરિવાર સાથે ભારત આવ્યો હતો અને આસનસોલમાં રહેતો હતો. હવે તે પાછો જવા માગે છે.