નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 27 લોકોનાં મોત થયાં છે. આ ઘટનાને પગલે UP, દિલ્હી અને મુંબઈમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ હુમલો 2019ના પુલવામા હુમલાના પછી ખીણમાં સૌથી ઘાતક હુમલો ગણવામાં આવી રહ્યો છે. પોલીસ અધિકારીઓએ મુખ્ય પ્રવાસન કેન્દ્રો અને સરહદી ચેકપોસ્ટ પર સુરક્ષા વધારી દીધી છે. ઉત્તર પ્રદેશ પોલીસને ખાસ કરીને ધાર્મિક સ્થળોએ સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે.
દિલ્હી પોલીસને પણ પ્રવાસન સ્થળો અને અન્ય મહત્વપૂર્ણ જગ્યાઓ પર કડક નજર રાખવાની સૂચના આપવામાં આવી છે. દિલ્હી પોલીસનાં સૂત્રોએ આ સંબંધમાં માહિતી આપી છે. મુંબઇમાં પણ સુરક્ષા વધારવામાં આવી છે. જયપુર અને અમૃતસરમાં પણ પોલીસ એલર્ટ મોડ પર છે. યુપી DGP પ્રશાંતકુમારે રાજ્યના તમામ પોલીસ કમિશનરો અને જિલ્લા અધિકારીઓને સતર્કતા જાળવવા માટે આદેશ આપ્યો છે. અયોધ્યા, કાશી અને મથુરા જેવાં ધાર્મિક સ્થળોએ સુરક્ષા વધારવામાં આવી છે. DGPએ તમામ જિલ્લાઓમાં દેખરેખ વધારવાની સૂચના આપી છે.
આ ઘાતક આતંકી હુમલાની નિંદા કરવા માટે વિવિધ સંસ્થાઓએ બુધવારે વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો છે અને તેને પરિણામે જમ્મુમાં પણ સુરક્ષા વધારવામાં આવી છે.
પહેલગામ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોમાં યુપી, મહારાષ્ટ્ર, બંગાળ, કર્ણાટક, બિહાર, મધ્ય પ્રદેશ અને હરિયાણાના લોકો સામેલ છે. આતંકવાદીઓએ ખાસ કરીને પરિવાર સાથે ફરવા આવેલા લોકોને ટાર્ગેટ કર્યા હતા. એટલું જ નહીં, આતંકવાદીઓએ લોકોનાં નામ પૂછીને ગોળી મારી હતી. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને કારણે દહેરાદૂનમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને જિલ્લામાં સઘન તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લાની સીમાઓ તથા આંતરિક માર્ગો સહિત તમામ મુખ્ય સ્થળોએ દરેક વાહન અને વ્યક્તિની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પોલીસ અધિક્ષક વિકાસનગર અને ઋષિકેશે પણ પોતાના વિસ્તારના ચેકિંગની જાતે હાજર રહીને સમીક્ષા કરી છે.
