અમદાવાદ: શહેરનો સૌથી ઝડપથી વિકસતા એકસાથે ત્રણ બ્રિજ ધરાવતા અને પાટનગરની સીમાને અડીને આવેલા ત્રાગડ વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. વૈષ્ણોદેવી સર્કલ એટલે મંદિરો, આધુનિક ઈમારતો, વેપાર ઉદ્યોગ અને પાટનગરને અડીને જ આવેલો આધુનિક મોંઘોદાટ વિસ્તાર ગણાય છે. આ વિસ્તારમાંથી 200 ફૂટ રિંગ રોડ પસાર થાય છે. જેનો અંડરપાસ ઝુંડાલ તરફ જાય છે. આ માર્ગ રાજ્યના ધોરી માર્ગોને જોડતો હોવાથી અહીં માલ વાહક તેમજ પેસેન્જર વાહનો મોટી સંખ્યામાં સતત અવર-જવર કરતા રહે છે. પરંતુ તાજેતરમાં ખાબકેલા મુશળધાર વરસાદથી આ મહાકાય માર્ગને જોડતો રેલવેનો અંડરપાસ પાણીથી છલોછલ ભરાઈ ગયો છે. અંડરપાસને અડીને આવેલું ત્રાગડ ગામ નિરમા યુનિવર્સિટી અને એની આસપાસનો વિસ્તાર પણ પ્રભાવિત થયો છે. ધોધમાર વરસાદથી અંડરપાસ ભરાઈ જવાથી 200 ફૂટ રિંગ રોડ પરના ભારે વાહનોનો ટ્રાફિક ડાઈવર્ટ કરવામાં ભારે હાલાકી પડી રહી છે. સૌથી મહત્ત્વની વાત ત્રાગડ, જગતપુર ,ગોતા, છારોડી, ચાંદખેડા અને ચેનપુર વિસ્તારના આ તરફ અવર જવર કરતાં વાહન ચાલકોને ઉબડ ખાબડ રસ્તા, ચોમેર ભરાઈ ગયેલા પાણી, ટ્રાફિક જામની સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ ત્રાગડ અંડરપાસમાંથી નીકળતું પાણી આ વિસ્તારને જ ઘમરોળી રહ્યું છે.પોશ વિસ્તારના આ અંડરપાસમાં ગુજરાતની અસ્મિતાની ઝાંખી સચિત્ર દર્શાવાઈ છે. જેની પર પાણી ફરી વળ્યા છે.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)