અમદાવાદ: હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે. મંગળવારે બપોર બાદ અમદાવાદ, નડીયાદ, ખેડા, પંચમહાલ, ગોધરા સાબરકાંઠા, મહેસાણા અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદના ઝાપટાં પડતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો. અચાનક આવેલા આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ ખેતરમાં ઉભેલા પાકને લઈને ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે.
ક્યા જિલ્લામાં વરસાદ ખાબક્યો?
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર સહિતના આજુબાજુના શહેરોમાં કાળા ડિબાંગ વાદળો અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. પવન સાથે આવેલા વરસાદે જનજીવનને વધારે અસર કરી. મહેસાણાના વિસનગરમાં પણ અચાનક પવનના સુસવાટા સાથે વરસાદની શરૂઆત થઈ હતી. અહીં વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ઉત્તર ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના ભાવનગર શહેરમાં પણ ધીમી ધારે વરસાદનું આગમન થયું. વાદળછાયા વાતાવરણ વચ્ચે પવન ફૂંકાતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી. જ્યારે અમદાવાદમાં પણ દિવસભર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. 
ખેડા જિલ્લાના માતર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. વીજળીના કડાકા સાથે થયેલા માવઠાથી જનજીવન પ્રભાવિત થયું. આણંદના ખંભાત પંથકમાં વરસાદ પડતા ખેતરોમાં તૈયાર થયેલા ઘઉંના પાકને ભારે નુકસાન થવાની સંભાવના છે, જેને પગલે ખેડૂતો ચિંતિત બન્યા છે.
નડિયાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં આજે બપોર બાદ અચાનક વાતાવરણ પલટાયું હતું. જોરદાર પવન સાથે વંટોળ ફૂંકાતા રસ્તાઓ પર ધૂળની ડમરીઓ ઉડી હતી, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીમાં મૂકાયા હતા. પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જેમાં ગોધરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની સંભાવના છે. આ દરમિયાન રાજ્યમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. દરિયામાં કરંટ જોવા મળી શકે છે. આથી માછીમારોને બે દિવસ સુધી દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે. કમોસમી વરસાદ સાથે વીજળી પડવાની પણ શક્યતા હોવાથી લોકોને સુરક્ષિત સ્થળે રહેવા અપીલ કરવામાં આવી છે.


