નવી દિલ્હીઃ ભારતીય રેલવે દેશમાં નેટવર્કને વિસ્તૃત કરવા સતત પ્રયાસ કરી રહી છે. પૂર્વોત્તર રાજ્યોમાં પણ રેલ સેવા પહોંચાડવા માટે કામગીરી ચાલી રહી છે, પરંતુ પૂર અને ભૂસ્ખલન જેવી કુદરતી આપદાઓને કારણે આ કામગીરી સતત પ્રભાવિત થઈ રહી છે. આ અવરોધોને કારણે છેલ્લાં પાંચ વર્ષમાં ભારતીય રેલવેને 200 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે, એમ રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી છે.
લોકસભામાં જવાબ આપતી વખતે રેલ મંત્રીએ કહ્યું હતું કે રેલવે પ્રોજેક્ટોના ડિઝાઇન અને તેના અમલ દરમિયાન પૂર્વોત્તર રાજ્યોની ભૌગોલિક સ્થિતિ અને તેના અભાવોનો હંમેશાં વિચાર કરવામાં આવે છે. સંસદમાં તેમણે કહ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષમાં પૂર, ભૂસ્ખલન વગેરે કારણોસર પૂર્વોત્તર સીમાંત રેલવેમાં રેલવેના પાટા અને બાંધકામોને નુક્સાન થયું છે, જેના કુલ આકલન મુજબ નુકસાન 200 કરોડ રૂપિયાથી વધુ છે. પૂર્વોત્તર વિસ્તારનું ભૂવૈજ્ઞાનિક સ્વરૂપ એવું છે કે ત્યાં ભૂસ્ખલન થવાનું જોખમ વધુ છે.
હાલમાં ચાલી રહી છે 12 રેલ પ્રોજેક્ટ
તેમણે જણાવ્યું હતું કે મણિપુર, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડ જેવાં પહાડી રાજ્યોમાં મુખ્ય રેલવે પ્રોજેક્ટો માટે બાંધકામ શરૂ કરતાં પહેલાં વ્યાપક ભૂ-ટેક્નિકી તપાસ અને પર્યાવરણ અસરનું મૂલ્યાંકન કરાય છે. તેમણે કહ્યું હતું કે આ અભ્યાસ ખાસ કરીને ઢાળની સ્થિતિ, પર્વતો અને માટીની લાક્ષણિકતાઓ, વનસ્પતિ આવરણ અને જળવિજ્ઞાન પેટર્નનો અંદાજ આપે છે.
રેલ મંત્રાલયના આંકડા મુજબ 1 એપ્રિલ 2025, સુધીમાં પૂર્વોત્તર માટે કુલ 12 રેલવે પ્રોજેક્ટો (આઠ નવી લાઈનો અને ચાર ડબલ લાઈનો)ને મંજૂરી મળી છે, જેના અંતર્ગત કુલ લંબાઈ 777 કિલોમીટર છે. આ પ્રોજેક્ટો માટે કુલ ખર્ચ રૂ. 69,342 કરોડ છે. જેમાંથી 278 કિલોમીટર લાંબી યોજનાઓ પર માર્ચ ,2025 સુધીમાં રૂ. 41,676 કરોડ ખર્ચ થઈ ચૂક્યા છે.
