અમદાવાદ: શહેરમાં કાયદો-વ્યવસ્થાની કથળેલી સ્થિતિને લઈ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક પોલીસ કમિશ્નર સાથે બેઠક કરી. બેઠકમાં શહેરના તમામ DCP અને JCP કક્ષાના અધિકારીઓ હાજર રહ્યાં હતા. હર્ષ સંઘવીએ અમદાવાદ શહેરમાં ક્રાઈમની વધતી જતી ઘટનાઓને લઈ તાત્કાલિક સૂચનો પણ કર્યા અને શહેરમાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે અંગેની માહિતી આ અધિકારીઓ પાસેથી મેળવી હતી. અમદાવાદ શહેરમાં લાંબા સમયથી ક્રાઈમની ઘટનાઓ વધતી જાય છે અને આ ઘટનાઓ વધુ ના બને તેને લઈ એકશન પ્લાન પણ બનાવવામાં આવ્યો છે, તેવી વાત પોલીસ સૂત્રો તરફથી મળી આવી છે.
અમદાવાદ પોલીસ દ્વારા એક સુરક્ષા એપ બનાવવામાં આવી છે. જેમાં દરેક ગુનેગારોનો રેકોર્ડ રાખવામાં આવ્યો છે. તેમજ પોલીસકર્મીઓને ફરજિયાત એપનો ઉપયોગ કરવા આદેશ કરાયો છે. સિનિયર સિટીઝનને પણ એપનો ઉપયોગ કરવા રજૂઆત કરાઈ છે. તો બીજી તરફ શી-ટીમના કર્મચારીઓને વૃદ્ધોના સંપર્કમાં રહેવા આદેશ કરવામાં આવ્યો છે.અમદાવાદ શહેર પોલીસ સજ્જ તો છે સાથે વધુ સજ્જ બનશે. કેમ કે હવે બ્લાઈન્ડ સ્પોટ અને ડાર્ક સ્પોટ પર પોલીસ ફરજ બજાવશે. અમદાવાદમાં ખૂણા-ખાચરામાં ઘણી એવી જગ્યાઓ છે કે જયાં લોકેશન તો શું પણ મોબાઈલના ટાવર પણ આવતા નથી. આવી જગ્યાએ કંઈ બનાવ બને તો ત્યાં સુધી પહોંચવું અઘરૂ બનતું હોય છે. પોલીસે શોધેલા આ ડાર્ક પોઈન્ટ પર શી ટીમની સાથે સ્થાનિક પોલીસ પણ હાજર રહેશ અને ફરજ બજાવશે. આવા સ્પોટ પર પોલીસ કંટ્રોલરૂમની સતત નજર પણ રહેશે.