હર્ષ સંઘવીએ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે કરી બંધ બારણે બેઠક

હાલમાં લોકસભાની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ મેદાનમાં છે. ત્યારે ચૂંટણી સમયે ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજ દ્વારા રાજ્યભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ હાલ એક્શન મોડમાં આવ્યું છે. ગુજરાતમાં ક્ષત્રિયોનો વિરોધ અને ઉમેદવારોને લઈને જે સીટો પર વિવાદ ઉભો થયો હતો ત્યાં ડેમેજ કંટ્રોલ કરવા માટે હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મેદાને આવ્યા છે. હર્ષ સંઘવીએ બેઠકોનો દોર શરુ કર્યો છે. ગઈ કાલે હર્ષ સંઘવીએ રાજકોટમાં અને જામનગરમાં ક્ષત્રિય નેતાઓ સાથે બેઠક કરી હતી જે બાદ આજ રોજ ગૃહમંત્રી અને સંગઠનના મહામંત્રી રત્નાકરજી ભાવનગરની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં તેમણે ભાજપના સંગઠનોના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી આ બેઠકમાં ક્ષત્રિય સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે હવે હર્ષ સંઘવી સુરેન્દ્રનગરની મુલાકાતે પહોંચ્યા છે.

હવે હર્ષ સંઘવી મેદાનમાં ઉતર્યા

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે સુરેન્દ્રનગરમાં ખાનગી હોટલમાં ભાજપ ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ધારાસભ્યો, સાંસદ, સંગઠનના પદાધિકારીઓ હાજર રહ્યાં હતા. ક્ષત્રિય સમાજના આગેવાનોમાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ આઇ.કે. જાડેજા, સહિત જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બંધ બારણે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લાના ધારાસભ્યો, સંગઠનના હોદ્દેદારો તેમજ પ્રદેશ સંગઠનમાં પ્રદેશના ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, રત્નાકર જયંતિ કવાડિયા સહિત ના હોદેદારો પણ હાજર રહ્યા હતા. આ સાથે સુરેન્દ્રનગરના ઉમેદવાર ચંદુ શિહોરાને પણ બેઠકમાં હાજર રાખવામાં આવ્યા હતા. હર્ષ સંઘવીએ પ્રેસિડેન્ટ હોટલમાં બંધ બારણે બેઠક યોજી અને ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે હર્ષ સંઘવીનો આ પ્રયાસ કેટલો સફળ થાય છે તે હવે જોવું રહ્યું..