સુરતે પ્રથમ કમળ PM મોદીને અર્પણ કર્યું : CR પાટીલ

લોકસભા બેઠક પર કોંગ્રેસના નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ અન્ય આઠ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના મુકેશ દલાલ બિનહરિફ વિજેતા બન્યાં છે. તેમના આ વિજયથી ભાજપનો 400 પારનો ટાર્ગેટ પૂર્ણ થઈ રહ્યો છે એવું નેતાઓમાં ચર્ચાઈ રહ્યુ છે. ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે એક્સ પર પોસ્ટ લખીન કહ્યું હતું કે, PM મોદીને સુરતે પહેલું કમળ અર્પણ કર્યું જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, ઐતિહાસિક વિજયની આ શરૂઆત છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, સુરત લોકસભા બેઠકના ઉમેદવાર મુકેશભાઇ દલાલને બિનહરીફ ચૂંટાવા બદલ હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ. લોકસભા ચૂંટણીમાં ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટીના ઐતિહાસિક વિજયની આ શરૂઆત છે. ગુજરાતમાં તમામ 26 બેઠકો પર ભાજપાના પ્રચંડ વિજય સાથે કમળ ખીલવાનો અને માનનીય મોદીજીના નેતૃત્વમાં #AbKiBaar400Paar નો સંકલ્પ સાકાર થવાનો આ સ્પષ્ટ સંકેત છે. જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું હતું કે, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને સુરતે પહેલું કમળ અર્પણ કર્યું !! સુરત લોકસભા બેઠકના ઉમેદવાર મુકેશભાઇ દલાલને બિનહરીફ ચૂંટાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ!!

સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ થયાં છે. કારણ કે ભાજપે અપક્ષ સહિત 8 ફોર્મ પાછા ખેંચવાની કવાયત હાથ ધરી હતી, જેમાં સાત માની માની ગયા હતાં. પરંતુ બસપાના ઉમેદવાર પ્યારેલાલ છેલ્લે સુધી નહીં માનતાં તેમને મનાવી લેવા માટે ભાજપના નેતાઓની ટીમ મેદાનમાં ઉતરી હતી. આજે સવારથી એવા વાવડ ચાલી રહ્યાં હતાં કે, પ્યારેલાલ ભારતી સંપર્ક વિહોણા થયાં છે. તેમણે ધમકીઓ મળતી હોવાથી પોલીસ પ્રોટેક્શન પણ માંગ્યું હતું. પરંતુ છેલ્લે તેમણે પોતાનું ફોર્મ પરત ખેંચતા હવે સુરતનો હાઈવોલ્ટેજ ડ્રામા પૂર્ણ થયો છે અને ભાજપના મુકેશ દલાલ બિનહરિફ વિજેતા બન્યાં છે.