પર્યુષણ મહાપર્વમાં હર્ષ સંઘવીએ ગુરુદેવ રાકેશજીની હાજરીમાં ‘પાવર ઑફ વન’ અભિયાનનો પ્રારંભ કરાવ્યો

મુંબઈ: શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર (SRMD) દ્વારા આયોજિત આઠ દિવસીય પર્યુષણ મહાપર્વની ઉજવણી થઈ. જેમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વિશેષ ઉપસ્થિતિ રહ્યા. તેમણે પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીના પાવન આશીર્વાદ મેળવ્યા હતા.

આ પ્રસંગે તેમણે જરૂરિયાતમંદોની મદદ માટે પ્રેરેતા ‘શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેર’ના વૈશ્વિક અભિયાન ‘પાવર ઑફ વન’ની આ વર્ષની આવૃત્તિનો વિધિવત શુભારંભ કરાવ્યો હતો. 2019થી શરૂ થયેલા આ અભિયાન દ્વારા અત્યાર સુધીમાં 50 લાખથી વધુ કપડાં, વાસણ, અનાજ અને અન્ય જરૂરી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું છે.

આ મંગલ અવસરે પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીની 60મી જન્મજયંતી નિમિત્તે ‘Aho Gurudev – 60 Years of an Enlightened Existence’ની વૈશ્વિક ઉજવણીની જાહેરાત સાથે તેના સ્મૃતિગીત ‘Aho Gurudev’નું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ જન્મજયંતી ઉજવણી 25 અને 26 સપ્ટેમ્બરે મુંબઈના Jio Convention Centre ખાતે યોજાશે.

કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીએ જણાવ્યું કે, પૂજ્ય ગુરુદેવશ્રીએ ધરમપુરમાં માનવતાનો ધર્મ મહેકાવીને વિશ્વના હજારો યુવાનોને આંતરિક આધ્યાત્મિક માર્ગ તરફ વાળ્યા છે. તેમણે સંસ્થાના વિવિધ સેવાકાર્યો માટે સમય અર્પણ કરી પોતાનું યોગદાન આપવાની ભાવના વ્યક્ત કરી હતી. મુંબઈના વરલી સ્થિત SVP Stadium ખાતે યોજાયેલા આ મહોત્સવમાં ભારત અને વિદેશથી હજારો ભાવિકો આધ્યાત્મિક શિબિર, સ્નાત્રપૂજા, Sound Bath Meditation અને સાંસ્કૃતિક નાટ્યપ્રયોગોનો લાભ લેવા એકત્રિત થયા છે.