અમદાવાદ: શહેરના ફૂડ કલ્ચરનું અભિન્ન અંગ અને આર.ટી.ઓ. સર્કલ પાસે ગાંધી આશ્રમ મેમોરિયલ પ્રોજેક્ટ તરફ જતા માર્ગ પર સ્થિત અતિ લોકપ્રિય ‘જેલ ભજીયા હાઉસ’નો કાયાકલ્પ થઈ ગયો છે.
સાબરમતી મધ્યસ્થ જેલના કેદીઓ દ્વારા સંચાલિત આ ઐતિહાસિક ફૂડ આઉટલેટને ₹2.5 કરોડથી વધુના ખર્ચે નવેસરથી નિર્માણ કરી નયનરમ્ય ‘હેરિટેજ લૂક’ આપવામાં આવ્યો છે. રાજ્યના જેલ ડીજીપી ડૉ. કે. એલ. એન. રાવના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણતાના આરે છે.
આ સમગ્ર પ્રોજેક્ટનો મુખ્ય હેતુ કેદીઓ કૌશલ્યનો યોગ્ય ઉપયોગ કરી સમાજમાં પુનર્વસન મેળવે તે માટે સકારાત્મક અભિગમ કેળવવાનો છે.

નવનિર્દેશિત ભવનમાં ગ્રાહકો માટે ‘જેલર અને કેદી’ની યુનિક થીમ તૈયાર કરવામાં આવી છે, જ્યાં જેલ પ્રશાસનના વાતાવરણ વચ્ચે મુલાકાતીઓ ભોજન અને ઇતિહાસ બંનેનો અનોખો સંગમ અનુભવી શકશે.
ત્રણ માળના નવનિર્મિત ભવનની મુખ્ય વિશેષતાઓ
-
ગ્રાઉન્ડ ફ્લોર: પરંપરાગત સ્વાદિષ્ટ ગરમા-ગરમ ભજિયાં અને અન્ય ફરસાણના વેચાણ માટે અદ્યતન સેલરૂમ તથા ગ્રાહકો માટે સુવ્યવસ્થિત બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ કરાઈ છે.

-
પ્રથમ માળ: અહીં વિશાળ ડાઇનિંગ એરિયા તૈયાર કરાયો છે, જ્યાં કેદીઓ દ્વારા તૈયાર થતી ખાસ ‘ગાંધી થાળી’ (સાત્વિક ભોજન) પીરસવામાં આવશે.

-
બીજો માળ: આ માળે આઝાદીના આંદોલન સમયે સાબરમતી જેલમાં કેદ રહેલા પૂજ્ય મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, મહાદેવભાઈ દેસાઈ, ઝવેરચંદ મેઘાણી અને લોકમાન્ય તિલક જેવા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓની સ્મૃતિઓ દર્શાવતી ફોટો ગેલેરી અને વિશેષ મ્યુઝિયમ બનાવાયું છે.





