ગુજરાતનું રૂ. 4,08,053 કરોડનું વિક્રમી બજેટ, ક્યા ક્ષેત્ર માટે શું છે જાહેરાતો?

ગાંધીનગર: ગુજરાત સરકારે બુધવારે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટેનું તેનું બજેટ રજૂ કર્યું. જેમાં રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટું રૂ. ૪.૦૮ લાખ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું. નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા ગુજરાત વિધાનસભામાં આ બજેટ રજૂ કરવામાં આવ્યું, જે તેમનું સતત પાંચમું વાર્ષિક બજેટ છે.

કનુભાઈ દેસાઈએ પોતાના ભાષણમાં કહ્યું કે બજેટ પાંચ સ્તંભો પર આધારિત છે – સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતર-માળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને હરિયાળી વૃદ્ધિ – જે આગામી વર્ષો માટે એક વ્યાપક યોજના બનાવવાના સરકારના પ્રયાસો પર ભાર મૂકે છે.

બજેટ સત્ર સોમવારથી શરૂ થયું હતું અને 25 માર્ચ સુધી ચાલુ રહેવાનું છે, જેમાં બજેટ ચર્ચા અને ત્યારબાદની ચર્ચા બેઠકોનો નોંધપાત્ર ભાગ ભજવશે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ પુષ્ટિ આપી છે કે આ સમયગાળા દરમિયાન સત્રમાં 26 બેઠકોનો સમાવેશ થશે.

વિધાનસભાના સત્તાવાર રેકોર્ડ અનુસાર, તાજેતરના વર્ષોમાં બજેટનું કદ સતત વધ્યું છે. 2022-23માં, રાજ્યનું બજેટ 2,43,965 કરોડ રૂપિયા હતું, જે 2023-24 માટે 3,01,021 કરોડ રૂપિયા, 2024-25માં 3,32,465 કરોડ રૂપિયા અને 2025-26માં 3,70,250 કરોડ રૂપિયા થયું છે.

આમ, આ વર્ષનું બજેટ નાણાકીય યોજનાઓમાં સતત વિસ્તરણને પ્રતિબિંબિત કરે છે. ગયા વર્ષના બજેટમાં વિકાસલક્ષી પહેલોની શ્રેણી પર ભાર મૂકવામાં આવ્યો હતો. જેમાં પાંચ વર્ષમાં ૫૦,૦૦૦ કરોડ રૂપિયાનું ‘વિકસિત ગુજરાત ફંડ’ અને ૨૦૨૫-૨૬માં ૫,૦૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. કૃષિ, શહેરી આવાસ અને જળ સંસાધનો સહિત અન્ય ક્ષેત્રો માટે નોંધપાત્ર ખર્ચનો સમાવેશ થતો હતો.

દરેક ઘરે શુદ્ધ પાણી પહોંચાડવા 100 કરોડની ફાળવણી 

ઘર સુધી નિયમિત ગુણવત્તાયુકત પાણી પહોંચાડવું એ અમારી સરકારની પ્રતિબદ્ધતા છે. 32 શહેરી સ્થાનિક સંસ્થાઓના વિસ્તારોમાં પાણી પુરવઠા વ્યવસ્થા મજબૂત બનાવવા મિશન-દૈનિક પાણી પુરવઠો- “જીવન ધારા” અમલમાં મૂકવામાં આવશે. જેના માટે ₹100 કરોડની જોગવાઇ કરું છું.

ગુજરાતને ડમ્પ ફ્રી રાજ્ય બનાવવાનો પ્લાન 

ગુજરાત “ડમ્પ ફ્રી” રાજ્ય બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. જેના ભાગરૂપે ડમ્પ સાઇટ પર સંગ્રહિત 253 લાખ મેટ્રીક ટનથી વધુ કચરાને વૈજ્ઞાનિક રીતે દૂર કરેલ છે. તેમજ બાકી રહેતી તમામ સાઇટને ડમ્પ ફ્રી કરી તેનો ઉપયોગ જાહેર હેતુ માટે કરવાનું આયોજન છે.

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે 5600 કરોડની ફાળવણી 

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગામ અને તેના પરાઓના જોડાણ તેમજ રસ્તાઓના રખરખાવ તથા કોઝવેના સ્થાને ઊંચા પુલ બનાવવાની કામગીરી કરવામાં આવે છે. જે માટે ₹5600 કરોડની જોગવાઇ.

 ‘ગરવી ગુજરાત હાઈ-સ્પીડ કોરિડોર’  માટે 800 કરોડની ફાળવણી 

રાજ્યના અલગ અલગ વિસ્તારોના આશરે 1155 કિ.મી. લંબાઈના રસ્તાઓને ‘ગરવી ગુજરાત હાઈ-સ્પીડ કોરિડોર’ તરીકે ઘોષિત કર્યા છે. જે રાજ્યના સર્વાંગી વિકાસ, રોજગાર અને આધુનિક ઇન્‍ફ્રાસ્ટ્રકચરની દિશામાં મહત્વપૂર્ણ કડી છે. જેના માટે ₹800 કરોડની જોગવાઇ.  

2026ને ગુજરાત પ્રવાસન વર્ષ જાહેર કરાયું 

ગુજરાત પાસે સફેદ રણના સૌંદર્યથી દરિયાના ઘૂઘવતાં મોજા સુધી, સૂર્યમંદિરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી, ગીરની ગર્જનાથી સોમનાથ સુધી પ્રકૃતિનું વૈવિધ્ય અને સંસ્કૃતિનો અદ્વિતીય સંગમ છે. ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ફલક પર પ્રસ્થાપિત કરવા વર્ષ 2026ને “ગુજરાત પ્રવાસન વર્ષ” તરીકે ઉજવવાની જાહેરાત કરું છું.  

સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે 236 કરોડની જોગવાઈ 

વિશ્વના આઇકોનિક પ્રવાસન સ્થળ તરીકે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ઉભરી આવ્યું છે. જેના કારણે પરિવહન, હોસ્પિટાલિટી અને હસ્તકળા જેવા ક્ષેત્રોમાં રોકાણને મોટો વેગ મળ્યો છે. જેણે સ્થાનિક આદિવાસી સમુદાય માટે વિશાળ રોજગારીની તકોનું સર્જન કર્યું છે. આ વિસ્તારની આંતરમાળખાકીય સુવિધાઓ વધારવા માટે ₹236 કરોડની જોગવાઇ કરું છું.

“સોમનાથ સ્વાભિમાન પર્વ”ની ઉજવણી કરાશે 

સમગ્ર ભારતવર્ષની આન, બાન, શાન અને સ્વાભિમાનનું પ્રતિક એટલે સોમનાથ. વારંવાર થયેલા હુમલા છતાં પણ 1 હજાર વર્ષ પૂર્વેથી સોમનાથ મંદિર લોકોની અતૂટ આસ્થાના કારણે આજે પણ ગર્વભેર અડીખમ ઊભું રહ્યું છે. આ અવસરને વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં શરૂ કરાયેલ “સોમનાથ સ્વાભિમાન પર્વ”ની ઉજવણી સમગ્ર વર્ષ દરમિયાન કરાશે.

સોમનાથને ‘ગ્લોબલ ડેસ્ટિનેશન’ તરીકે વિકસાવાશે 

સરકારે સોમનાથ જેવી પવિત્ર વિરાસત સાથે વિકાસને જોડીને “વિકાસ ભી, વિરાસત ભી”ના મંત્રને સાકાર કર્યો છે. વડાપ્રધાનના ‘વન સ્ટેટ : વન ગ્લોબલ ડેસ્ટિનેશન’ના વિઝનને સાકાર કરવા સોમનાથને ‘ગ્લોબલ ડેસ્ટિનેશન’ તરીકે વિકસાવવાનો પ્લાન.

“અંબાજી કોરીડોર માસ્ટરપ્લાન”  જાહેર 

અંબાજી યાત્રાધામના સર્વાંગી વિકાસ માટે “અંબાજી કોરીડોર માસ્ટરપ્લાન” અંતર્ગત ₹300 કરોડની જોગવાઇ.

ભક્તો માટે મોટી જાહેરાતો 

પવિત્ર યાત્રાધામ બહુચરાજીના નવનિર્માણ, જૂનાગઢના ગીરનાર ખાતે યોજાતા મહાશિવરાત્રીના મેળામાં અને માઁ નર્મદાની પરિક્રમા માટે આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે ₹55 કરોડની જોગવાઇ કરવામાં આવી.

કડાણા ડેમ સોલર પ્રોજેક્ટ માટે 150 કરોડની ફાળવણી 

રાજ્યના વિવિધ જળાશયો અને નહેરોની જળસપાટીનો મહત્તમ ઉપયોગ કરવાના હેતુથી કડાણા ડેમમાં નવતર ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટ સ્થાપવાનું આયોજન છે. જેના માટે ₹150 કરોડની જોગવાઇ.

અંબાજીમાં કોપર પ્રોજેક્ટ માટે 613 કરોડની ફાળવણી 

આત્મનિર્ભર ભારતની પહેલને સાકાર કરવા રાજ્ય પાસે સંગ્રહિત પરંતુ હાલમાં વણવપરાયેલ વિપુલ ખનીજ સંસાધનો અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગથી મેળવવામાં આવશે. જે પૈકી અંબાજી કોપર પ્રોજેક્ટ ગુજરાતની પ્રથમ ભૂગર્ભ કોપર-લેડ-ઝીંક ખાણ બનશે. જે આયાતની નિર્ભરતા ઘટાડશે. આ માટે ₹613 કરોડની જોગવાઇ.

લિગ્નાઇટમાંથી ગેસનું ઉત્પાદન કરવા ₹300 કરોડની જોગવાઇ

તેમજ અંડરગ્રાઉન્ડ કોલ ગેસિફિકેશન પદ્ધતિથી લિગ્નાઇટમાંથી ગેસનું ઉત્પાદન કરવાનું આયોજન છે. જેનાથી પ્રદૂષણની સમસ્યાઓને હલ કરવામાં મદદ મળશે. જેના માટે ₹300 કરોડની જોગવાઇ.

મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાનું ફંડ વધાર્યું 

નાગરિક સેવાઓને વિશ્વસ્તરીય બનાવવા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ હાલની જોગવાઇમાં લગભગ 17% જેટલો વધારો કરી ₹16 હજાર 116 કરોડની જોગવાઇ.

સ્માર્ટ પાર્કિંગ ઊભા કરાશે 

રાહદારીઓની પરિવહન કાર્યક્ષમતામાં સુધારો કરી સુલભ શહેરી ગતિશીલતાને પ્રોત્સાહન આપવા શહેરો અને નગરપાલિકાઓમાં ₹100 કરોડના ખર્ચે સ્માર્ટ પાર્કીંગ બનાવવાશે.

5 નવા સેટેલાઈટ ટાઉન વિકસાવાશે 

રાજ્યમાં આવેલ મોટા શહેરો પરનું ભારણ ઘટે અને રોજગારીની નવી તકો ખુલે તે હેતુથી મુખ્ય શહેરોની નજીક આધુનિક સુવિધાઓ સાથે પાંચ નવા સેટેલાઇટ ટાઉન વિકસાવવામાં આવશે. જેમાં કલોલ, સાણંદ, સાવલી, બારડોલી અને હિરાસરના વિકાસનું આયોજન છે. જેને રીજનલ રેપિડ ટ્રાન્‍ઝીટ સિસ્ટમથી મોટા શહેરો સાથે જોડવામાં આવશે.

અમદાવાદ શહેરને “ઓલિમ્પિક રેડી સીટી” બનાવવામાં આવશે

આગામી કોમનવેલ્થ ગેમ્સ 2030ના આયોજન માટે અમદાવાદ શહેરને “ઓલિમ્પિક રેડી સીટી” બનાવવામાં આવશે. જેના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટસ કોમ્પ્લેક્સ અને સ્ટેડિયમ સ્થાપી તેને આધુનિક જાહેર પરિવહન સુવિધાઓ સાથે વિકસાવવામાં આવશે. જેના માટે કુલ ₹1278 કરોડની જોગવાઇ.

પૂરક પોષણ યોજના માટે 972 કરોડની ફાળવણી 

3 થી 6 વર્ષનાં બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તેમજ બાળકો, કિશોરીઓ અને સગર્ભા ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા પૂરક પોષણ યોજના અંતર્ગત ₹972 કરોડની જોગવાઇ.

નમો લક્ષ્મી યોજના માટે 1250 કરોડની જોગવાઈ 

 નમો લક્ષ્મી યોજનાના અસરકારક અમલીકરણથી ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓના શાળા પ્રવેશમાં છેલ્લા બે વર્ષમાં નોંધપાત્ર વધારો થયેલ છે. જેના માટે ₹1250 કરોડની જોગવાઇ.

“નમો કૌશલ્ય લક્ષ્મી યોજના”ની જાહેરાત 

મહિલા પ્રતિનિધિત્વને પ્રોત્સાહિત કરવા રાજ્યની ITIમાં અભ્યાસ કરતી તમામ દિકરીઓ માટે નવી “નમો કૌશલ્ય લક્ષ્મી યોજના” જાહેર કરું છું. જેના માટે ₹40 કરોડની જોગવાઇ.

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના માટે મોટી ફાળવણી 

વિધવા બહેનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે DBT માધ્યમથી માસિક સહાય મળી રહે તે માટે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અમલી છે. જેના માટે ₹2848 કરોડની જોગવાઇ.

6 ક્ષેત્ર માટે ઇકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર

રાજ્યમાં સર્વાંગી અને સંતુલિત વિકાસ માટે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો વિસ્તાર અને કચ્છ એમ 6 ક્ષેત્ર માટે ઇકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર કર્યાં છે. જે અંતર્ગત દરેક ક્ષેત્રની જરૂરિયાત મુજબ પ્રોજેક્ટ તૈયાર કરેલ છે. જેનાથી આર્થિક પ્રવૃત્તિઓ, રોજગાર સર્જન અને મૂડી રોકાણને પ્રોત્સાહન મળશે. જેના માટે ₹2000 કરોડની જોગવાઇ કરું છું.

વિકસિત ગુજરાત ફંડ માટે 10 હજાર કરોડની જોગવાઈ 

50 હજાર કરોડના વિકસિત ગુજરાત ફંડ મારફતે વિકાસ કાર્યોને ગતિ આપવાનો સરકારનો દ્રઢ સંકલ્પ છે. જેના ભાગરૂપે આ વર્ષે વિકસિત ગુજરાત ફંડમાં ₹10 હજાર કરોડની જોગવાઇ. વિકસિત ગુજરાત ફંડ હેઠળ રાજ્યના વિકાસ માટે લાંબાગાળાના અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે.

બે એક્સપ્રેસ વે માટે વધુ 3000 કરોડની જોગવાઈ 

રાજ્યના મહત્વના સ્થળોને જોડતા નમો શક્તિ એકસપ્રેસ વે તેમજ સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે પ્રોજેકટ માટે વધુ ₹3000 કરોડની જોગવાઇ કરું છું. આ પ્રોજેકટ સંસ્કૃતિ અને પ્રવાસનનો સંગમ ધરાવતો હાઇવે બની રહેશે.

મત્સ્ય ઉદ્યોગ માટે શું? 

રાજ્યના મત્સ્ય અને પશુપાલન ક્ષેત્રને આવક, રોજગાર અને પોષણનો મજબૂત આધાર બનાવવા સરકાર પ્રતિબદ્ધ છે. રાજ્યની હાલની મત્સ્ય પેદાશનું ઉત્પાદન અને નિકાસ વધારવાના લક્ષ્ય માટે માળખાકીય સુવિધા, સાધન સહાય અને સ્ટોરેજ માટે ₹1340 કરોડની જોગવાઇ.

ગૌમાતા સંવર્ધન માટે 500 કરોડની જોગવાઈ 

પશુઓના સંવર્ધન, સંરક્ષણ, રોગ નિદાન અને તેને લગતી માળખાકીય સુવિધાઓમાં સહાય આપી દેશના દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 10%થી વધુ લઇ જવાશે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલ ગૌ માતા પોષણ યોજના ગાયોના સંરક્ષણ, ગૌસંવર્ધન તથા ગૌકલ્યાણ પ્રત્યે રાજ્યની પ્રતિબદ્ધતાનું સ્પષ્ટ પ્રતિબિંબ છે. જેના માટે ₹500 કરોડની જોગવાઇ.

કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ વ્યાજ સહાય માટે મોટી જાહેરાત 

ખેડૂતો, પશુપાલકો અને સાગરખેડૂઓ પોતાની પ્રવૃત્તિઓ સમયસર કરી શકે તે માટે કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત વ્યાજ સહાય આપવા ₹1539 કરોડની જોગવાઇ કરું છું.

4 ઝોનમાં બાયો સીએનજી પ્લાન્‍ટની સ્થાપના કરાશે 

સહકારી મંડળીઓને બહુહેતુક કાર્ય કરવા સક્ષમ બનાવવામાં આવશે. જેમાં અનાજ સંગ્રહથી લઇને રાજ્યના 4 ઝોનમાં બાયો સીએનજી પ્લાન્‍ટની સ્થાપના કરવામાં આવશે. જેનાથી પશુપાલકોને પૂરક આવક તેમજ વાહનો માટે ગ્રીન ફ્યુઅલ ઉપલબ્ધ થશે. જેના માટે ₹112 કરોડની જોગવાઇ.

ખેડૂતો માટે 1565 કરોડની ફાળવણી 

ખેડૂતોને ખેતીક્ષેત્રે થતો ખર્ચ ઘટાડવા તેમજ પાક ઉત્પાદન અને આવક વધારવા યાંત્રિકીકરણનું મહત્વ છે. ટ્રેકટર, પાવરટીલર, સીડડ્રીલ, હાર્વેસ્ટર જેવા યંત્રો દ્વારા ખેતીકામમાં ઝડપ અને ચોકસાઇ આવે છે. નાના-સીમાંત સહિતના ખેડૂતો માટે કૃષિ યાંત્રિકીકરણના વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા ₹1565 કરોડની જોગવાઇ.

GIDC માટે મોટી જાહેરાત 

ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને આગળ વધારતાં આગામી સમયમાં 25 જી.આઇ.ડી.સી.ને આધુનિક ટેકનોલોજીથી સ્માર્ટ બનાવવામાં આવશે. જેમાં ₹1250 કરોડના રોકાણથી પાણી, વીજળી, ગેસ અને ડિજિટલ નેટવર્કનું સુદ્રઢીકરણ કરવામાં આવશે. આ ઉપરાંત ₹50 કરોડના રોકાણથી 120 મીની GIDCના નવીનીકરણનું આયોજન છે.

પાંચ નવી GIDC બનશે 

રાજ્યના આદિવાસી વિસ્તારોમાં ઔદ્યોગિકીકરણને પ્રોત્સાહન આપવા તેમજ રોજગારીની તકો મળી રહે તે માટે દાહોદ જિલ્લાના ઝાલોદ અને ગરબાડા તાલુકામાં બે તથા અરવલ્લી જિલ્લા સહિતના અન્ય જિલ્લાઓમાં ત્રણ એમ પાંચ નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવામાં આવશે.

ટેક્સટાઈલ ઉદ્યોગ માટે મોટી જાહેરાત

રાજ્યના ટેક્સટાઇલ ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે “ગુજરાત ટેક્સટાઇલ પોલિસી” અંતર્ગત ₹67 હજાર કરોડથી વધુનું મૂડીરોકાણ થયેલ છે. જેને લીધે બે લાખથી વધારે પ્રત્યક્ષ રોજગારી સર્જાયેલ છે. આવનાર સમયમાં આ ક્ષેત્રમાં વધારે મૂડીરોકાણ અપેક્ષિત છે અને તેથી મોટા પાયે પ્રત્યક્ષ રોજગારીનું સર્જન થશે. આ માટે ₹2755 કરોડની ફાળવણી.

ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્‍સિલની સ્થાપના કરાશે 

રાષ્ટ્રની માલસામાન નિકાસમાં 26% થી વધુ યોગદાન સાથે ગુજરાત સૌથી મોખરાનું સ્થાન ધરાવે છે. આ ક્ષેત્રને પ્રોત્સાહન, તાલીમ, આર્થિક અને માર્કેટ સપોર્ટથી વધુ વેગ આપવા ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્‍સીલ (GEPC)ની સ્થાપના કરવાની જાહેરાત કરી છે.

આગામી અઠવાડિયામાં બજેટની તપાસ અને ચર્ચા સભ્યો દ્વારા કરવામાં આવશે.