15મી ગુજરાત વિધાનસભાના સાતમા સત્રમાં પાંચ વિધેયક રજૂ કરાશે

ગાંધીનગર: ૮ થી ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ દરમિયાન ૧૫મી વિધાનસભાનું સાતમું સત્ર યોજાશે. જેના અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, 8મી સપ્ટેમ્બરના રોજ સત્રની શરૂઆત પ્રશ્નોતરીથી થશે. ૯ અને ૧૦ સપ્ટેમ્બરના રોજ વિધાનસભામાં પ્રશ્નોતરી અને અન્ય કામકાજ ઉપરાંત પાંચ વિધેયક રજૂ કરાશે.વધુમાં તેમણે જણાવ્યું કે, પાંચ વિધેયકમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગનું ‘કારખાના (ગુજરાત સુધારા) વિધેયક, ૨૦૨૫’, નાણા વિભાગનું ‘ગુજરાત માલ અને સેવા કર (દ્વિતીય સુધારા) વિધેયક, ૨૦૨૫’, ઉદ્યોગ અને ખાણ વિભાગનું ‘ગુજરાત જનવિશ્વાસ (જોગવાઇઓના સુધારા) વિધેયક’, ૨૦૨૫ તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનું ‘ગુજરાત વૈદ્યક વ્યવસાયીઓનું (સુધારા) વિધેયક, ૨૦૨૫’ અને ‘ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ (રજિસ્ટ્રેશન અને નિયમન) (સુધારા) વિધેયક, ૨૦૨૫’ રજૂ કરવામાં આવશે.વધુમાં, પ્રવક્તા મંત્રીએ કહ્યું કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની ભલામણોને શક્ય તેટલી વહેલી તકે લાગુ કરવા અને કેન્દ્રીય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અધિનિયમ, 2017 (CGST Act) અને ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અધિનિયમ, 2017 (GGST Act) ની જોગવાઈઓની એકરૂપતા જાળવવા માટે ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અધિનિયમ 2017માં સુધારો કરવો જરૂરી હોઇ વટહુકમ કરવામાં આવ્યો છે.