અમેરિકા: ગુજરાતી સમાજના ગરબામાં ગોરાઓ ગરબે ઘુમ્યા

કેન્સાસ: ‘જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત..’ ગુજરાતીઓ તો ગ્લોબલ થયા જ છે. આ સાથે ગરવી ગુજરાતના ગરબા પણ ગ્લોબલ થયા છે. તાજેતરમાં જ અમેરિકાના કેન્સાસ ખાતે ગુજરાતીઓએ એમના સંગઠનની 25મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. જેમાં રાસ-ગરબાનું ભવ્ય આયોજન કરાયું હતું. ગુજરાતીઓના આ ગરબામાં અમેરિકાના સ્થાનિક લોકો પણ મન મુકીને ઝુમ્યા હતા.ગુજરાતીઓના આ સંગઠનના દેવ ભરવાડ ચિત્રલેખા.કોમને કહે છે, “અમેરિકાના કેન્સાસ સિટી ગુજરાતી સમાજ (GSKC)એ નવરાત્રિ 2024 ઇવેન્ટ દરમિયાન ભવ્ય ઉજવણી સાથે તેના સ્થાપનાના 25મા વર્ષની ઉજવણી કરી. જેમાં અમને તમામ કારોબારી સમિતિને અભૂતપૂર્વ સફળતા મળી છે.”ગુજરાતીઓના આ સંગઠનના પ્રસંગમાં વિશ્વ વિખ્યાત પ્લેબેક સિંગર પાર્થિવ ગોહિલે એક ઈલેક્ટ્રિફાઈંગ લાઈવ પરફોર્મન્સ આપ્યું હતું. આ પર્ફોમન્સે શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કાર્યક્રમ સ્થળ કેન્સાસ સિટી કન્વેન્શન સેન્ટર સંગીત અને નૃત્યના વાઈબ્રન્ટ હબમાં પરિવર્તિત થયું. પાર્થિવ ગોહિલના પરંપરાગત ગુજરાતી ગરબા ગીતોની સશક્ત રજૂઆતોએ એક એવું વાતાવરણ ઊભું કર્યું જે આનંદદાયક તો હતું જ આ સાથે આપણી સમૃદ્ધ સાંસ્કૃતિને ઉજાગર કરતું હતું.આ કાર્યક્રમમાં યુ.એસ. સેનેટર, યુ.એસ. કોંગ્રેસમેન, મિઝોરી સ્ટેટ ટ્રેઝરર, કેન્સાસ સ્ટેટ ટ્રેઝરર અને યુ.એસ. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સભ્યો સહિત અનેક ઉચ્ચ-પ્રોફાઇલ ધરાવતા મહાનુભાવોએ હાજરી આપી હતી. ગુજરાતી સમાજ દ્વારા એમનું સન્માન કરવામાં આવ્યું હતું. આમાંના દરેક અધિકારીઓએ ઉત્સવોમાં ભાગ લેવા માટે તેમના માંગેલા સમયપત્રકમાંથી સમય કાઢ્યો હતો. આ સર્વે મહાનુભવો ગરબાના તાલે ગુજરાતી સમુદાય સાથે ઝૂમ્યા. એમની સહભાગિતાથી વ્યાપક અમેરિકન સમાજમાં ગુજરાતી સંસ્કૃતિ માટે વધતી જતી માન્યતા અને આદર છલકાતા હતા.

આ કાર્યક્રમમાં પધારેલા મહાનુભાવોએ મોટાપાયે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવા બદલ દેવ ભરવાડ તેમજ ટીમના નેતૃત્વની પ્રશંસા કરી હતી. આ મેળાવડાએ ગુજરાતી વારસા પરંપરાઓને ઉજાગર કરી. સાથે જ યુવા પેઢી અને વડીલો બંને સહિત ઉપસ્થિત લોકોમાં એકતા અને જોડાણને પ્રોત્સાહન આપ્યું હતું.

પ્રજ્ઞેશ વ્યાસ