ઝીમ્બાબ્વે સરકારે જીટીયુને આમંત્રણ આપ્યું, લેટેસ્ટ ટેકનોલોજીની તાલીમ આપવા આમંત્રણ

અમદાવાદઃ વિદ્યાર્થીઓને લેટેસ્ટ ટેક્નોલોજી અંગેના કૌશલ્યોથી સુસજ્જ કરવા અને પ્રાધ્યાપકોને તે અંગેની તાલીમ આપવા ઝીમ્બાબ્વે સરકારે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી-જીટીયુને આમંત્રણ આપ્યું છે. ઝીમ્બાબ્વેના 14 સભ્યોના પ્રતિનિધિમંડળે જીટીયુના ચાંદખેડા કેમ્પસની મુલાકાત લીધી હતી અને આ બાબતને ચર્ચાવિચારણા કરી હતી. જીટીયુ અને ઝીમ્બાબ્વે સરકાર ટૂંકસમયમાં કરાર પર હસ્તાક્ષર કરીને બેઠકમાં લેવાયેલા નિર્ણયોના અમલ વિશેની વ્યૂહરચના ઘડી કાઢશે.

જીટીયુએ ઝીમ્બાબ્વે સરકારની જરૂરિયાત મુજબના લાંબા ગાળાના તેમજ ટૂંકા ગાળાના કોર્સમાં મદદ કરવાની તૈયારી દર્શાવી છે. જેમાં સ્નાતક, અનુસ્નાતક અને પીએચડી ઉપરાંત ઓનલાઈન સર્ટીફિકેટ કોર્સનો પણ સમાવેશ થાય છે. જીટીયુના બહોળા જ્ઞાનનો લાભ ઝીમ્બાવેને મળે તે હેતુસર લેટેસ્ટ ટેક્નોલોજી, ફાર્માસ્યુટીકલ્સ અને હીરા ઉદ્યોગ જેવા ક્ષેત્રોમાં તાલીમ આપવા માટે પ્રતિનિધિમંડળે અનુરોધ કર્યો હતો. ગુજરાતના રોકાણકારોના સહયોગથી તે ક્ષેત્રોના એકમો સ્થાપવા માહિતીના આદાનપ્રદાન માટે પણ તેઓએ ચર્ચા કરી હતી, એમ જીટીયુના વાઈસ ચાન્સેલર ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું.

ઝીમ્બાબ્વે સરકાર વતી રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ વિભાગના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર ડૉ.સી.સી.મુશોવેના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળમાં નવી દિલ્હી સ્થિત દુતાવાસના કોન્સ્યુલરનો પણ સમાવેશ થતો હતો. ઝીમ્બાવે સરકાર વ્યાવસાયિકો, અધિકારીઓ અને વિદ્યાર્થીઓના ટેકનિકલ કૌશલ્યો વધારવા પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. એવા સંજોગોમાં ટેક્નોલોજીકલ યુનિવર્સિટી તરીકે જીટીયુના એન્જીનિયરીંગ, આઈટી, ફાર્માસ્યુટીકલ સાયન્સ, બાયોટેક્નોલોજી, સાયબર સિક્યુરિટી, હીરા પ્રોસેસીંગ વગેરેમાં જીટીયુના નિષ્ણાતોના જ્ઞાનનો લાભ ઝીમ્બાવેને મળે તેના માટે બેઠકમાં ચર્ચા થઈ હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]