પૂર્વાંચલ પ્રિયંકાને હવાલે…

કોંગ્રેસ પાર્ટીએ લોકસભા ચૂંટણી આડે અમુક જ મહિના બાકી છે ત્યારે ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વ. રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીનાં પુત્રી પ્રિયંકા ગાંધીને રાજકારણમાં સક્રિય પ્રવેશ અપાવીને અને એમને પક્ષનાં મહામંત્રી બનાવીને મોટો દાવ ખેલ્યો છે. એમને ઉત્તર પ્રદેશના પૂર્વ ભાગમાં પક્ષની બાબતોનો ચાર્જ આપીને દેશના અને ખાસ કરીને ઉત્તર પ્રદેશના રાજકારણમાં ગરમાટો લાવી દીધો છે.

આને લીધે હવે એવું ચિત્ર ઊભું થયું છે કે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી જંગમાં પ્રિયંકા ગાંધી વિરુદ્ધ નરેન્દ્ર મોદી-અમિત શાહ મુકાબલો જોવા મળશે. આ જંગ ઉપર હવે આખા દેશની મીટ મંડાશે.

ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના જોડાણને કારણે મોટો ધક્કો ખાધા બાદ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ એમનું ટ્રમ્પ કાર્ડ ખેલ્યું છે અને એમના મોટાં બહેન પ્રિયંકા ગાંધીને પક્ષનાં મહામંત્રી બનાવ્યાં છે અને એમને પૂર્વીય ઉત્તર પ્રદેશમાં પક્ષનો હવાલો સોંપ્યો છે. આ રાજ્યમાં પાર્ટીને ફરી ચેતનવંતી કરવાનો રાહુલે નિશ્ચય કર્યો છે, કારણ કે દેશમાં લોકસભાની સૌથી વધારે બેઠકો આ રાજ્યમાં છે – 80.

આગામી લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં સંસ્થાકીય ફેરફારો કરીને કોંગ્રેસે મધ્ય પ્રદેશમાં ગુણા શહેરના પોતાના સંસદસભ્ય જ્યોતિરાદિત્ય સિંધીયાને પણ મહામંત્રી બનાવ્યા છે અને એમને પશ્ચિમી ઉત્તર પ્રદેશનો ચાર્જ આપ્યો છે.

પ્રિયંકા ગાંધી, જેઓ વિવાદાસ્પદ ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાને પરણ્યાં છે અને બે બાળકોનાં માતા છે, એમણે આ સાથે રાજકારણમાં સંપૂર્ણસ્તરની એન્ટ્રી કરી છે. અત્યાર સુધી એ એમની કામગીરી એમનાં માતા સોનિયા ગાંધીનાં રાયબરેલી અને ભાઈ રાહુલનાં અમેઠી સંસદીય મતવિસ્તારો પૂરતી જ સીમિત રાખતાં હતાં. નાના ભાઈ રાહુલ ગાંધી સક્રિય રાજકારણમાં આવ્યા ત્યારથી પ્રિયંકા રોજિંદી રાજકીય હિલચાલોથી દૂર રહ્યાં હતાં.

ઉત્તર પ્રદેશમાં આ પહેલી જ વાર કોંગ્રેસ પાર્ટીએ એના મહામંત્રીની સંસ્થાકીય જવાબદારીઓને બે ભાગમાં વહેંચી છે.

ઉત્તર પ્રદેશના મહામંત્રી પદે રહેલા ગુલામ નબી આઝાદને હવે હરિયાણાની બાબતો સંભાળવા જણાવાયું છે.

1989ની સાલ બાદ કોંગ્રેસ પાર્ટી ઉત્તર પ્રદેશમાં હાંસિયામાં ધકેલાઈ ગઈ છે. સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ઉદય બાદ તે સતત દબાણમાં રહી છે. એમાંય પખવાડિયા પહેલાં, સપા-બસપાએ ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણી જીતવા હાથ મિલાવ્યા છે અને કોંગ્રેસને એમનાથી દૂર રાખી છે.

કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓએ પ્રિયંકા ગાંધીની નિમણૂકને વ્યાપક રીતે વધાવી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ કહ્યું છે કે પારિવારિક પાર્ટીની આ તો અપેક્ષિત ઘટના છે. છેક જવાહરલાલ નેહરુના વખતથી પક્ષમાં વંશ આધારિત શાસન ચાલતું આવ્યું છે.

પ્રિયંકા ઘણી જ સક્ષમ છે, મને એ વાતનો આનંદ છે કે એ મને મદદરૂપ થશેઃ રાહુલ ગાંધી

દરમિયાન, રાહુલ ગાંધીએ સક્રિય રાજકારણમાં એમના બહેનનાં પ્રવેશને આવકારતાં કહ્યું કે મને એ વાતની બેહદ ખુશી છે કે પ્રિયંકા મને લોકસભાની ચૂંટણીમાં સહાયરૂપ થશે. એ મને લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં સહાયતા કરશે. એ ઘણી જ સક્ષમ છે.

એક સવાલના જવાબમાં રાહુલે કહ્યું કે, આગામી ચૂંટણીમાં અમે બેકફૂટ પર નહીં રહીએ, ફ્રન્ટફૂટ ઉપર રહીને જ રમીશું. પછી એ ગુજરાત હોય કે ઉત્તર પ્રદેશ.

રાહુલે એમ પણ કહ્યું કે ભાજપને હરાવવા માટે અમે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી સાથે સહકાર કરવા તૈયાર છીએ.

એક વર્ષ પૂર્વે રાહુલ ગાંધીના ખભા પર કોંગ્રેસના પ્રમુખપદનો ભાર સોંપવામાં આવ્યો હતો. તે પછી ગુજરાતમાં કોંગ્રેસની કામગીરી સરસ રહી છે. કર્ણાટકમાં પણ કોંગ્રેસે જેડીએસનો સાથ લઈને ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં હાર આપી હતી. એટલું જ નહીં, ત્યારબાદ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં રાહુલના જ નેતૃત્ત્વ હેઠળ કોંગ્રેસે સત્તા ફરી હાંસલ કરી હતી.

લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશનું મહત્ત્વ

દર વખતની જેમ, આ વખતની લોકસભા ચૂંટણીમાં પણ ઉત્તર પ્રદેશ રાજ્યનું મહત્ત્વ સૌથી વધારે રહેશે. આ રાજ્ય ચૂંટણી સંગ્રામમાં મોખરે રહે છે, કારણ કે એની જનસંખ્યા 22 કરોડ છે. આ રાજ્યમાં લોકસભાની સૌથી વધારે – 80 સીટ છે.

2014ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 71 સીટ જીતી હતી.

પ્રિયંકા ગાંધીને જેની જવાબદાર સોંપી છે તે પૂર્વ ઉત્તર પ્રદેશ અથવા પૂર્વાંચલમાં 24 જિલ્લા છે. ત્યાં લોકસભાની કુલ 23 બેઠકો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યાંથી 2014માં ચૂંટણી જીત્યા હતા તે વારાણસી અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ જ્યાંથી પાંચ વખત લોકસભાની ચૂંટણી જીત્યા હતા એ ગોરખપુર સંસદીય મતવિસ્તાર પૂર્વાંચલમાં આવે છે.

તેથી હવે આ વિસ્તારોમાં જ્યારે નરેન્દ્ર મોદી અને ભાજપપ્રમુખ અમિત શાહ પ્રચાર કરવા આવશે ત્યારે એમની સામે ગાંધી ભાઈબહેન – રાહુલ અને પ્રિયંકાની જોડીનો સામનો કરવાનો આવશે.

ઉત્તર પ્રદેશમાં માયાવતીની બહુજન સમાજ પાર્ટી અને અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીએ યુતી કરી છે તેથી આ રાજ્યમાં પોતાની વોટબેન્ક પાછી મેળવવા કોંગ્રેસને પ્રિયંકા ગાંધીનો ચહેરો કામમાં આવશે.

પ્રિયંકાની તુલના હંમેશાં ઈન્દિરા ગાંધી સાથે કરવામાં આવે છે. એનો ફાયદો પણ કોંગ્રેસને મળી શકે છે.

પ્રિયંકા ગાંધી રાયબરેલીમાંથી ચૂંટણી લડશે?

રાયબરેલી કોંગ્રેસ માટે ગઢ સમાન ગણાય છે. 1999ની સાલથી આ સંસદીય મતવિસ્તાર કોંગ્રેસના તાબામાં છે. પક્ષનાં ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના પ્રચારની ધુરા હંમેશાં પ્રિયંકા જ સંભાળતા આવ્યાં છે.

પ્રિયંકા ગાંધીને ઉત્તમ સંગઠક માનવામાં આવે છે. તેથી એમને જો ચૂંટણીમાં ઊભાં રાખવાનો વિચાર કરાશે તો એમને માટે રાયબરેલી બેઠક જ પસંદ કરાશે એવું મનાય છે.

રાયબરેલી મતવિસ્તાર કોંગ્રેસ માટે સુરક્ષિત મનાય છે. જોકે 1977માં જનતા પક્ષના રાજ નારાયણે ઈન્દિરા ગાંધીને ચૂંટણીમાં હરાવ્યા હતા અને ત્યારબાદ 1996 તથા 1998માં ભાજપે જીત હાંસલ કરી હતી.

ઈન્દિરા ગાંધી જેવી છાપ ધરાવતાં પ્રિયંકા

પ્રિયંકા ગાંધીનું વ્યક્તિત્વ ભૂતપૂર્વ વડાંપ્રધાન અને એમનાં દાદી સ્વ. ઈન્દિરા ગાંધી જેવું છે એવું કહેવાય છે. પ્રિયંકાની કેશભૂષા અને પરિધાન સ્ટાઈલ ઈન્દિરા ગાંધી જેવી છે. તેથી બંને વચ્ચે ઘણું સામ્ય જોવા મળે છે.

મોટી પ્રચારસભાઓમાં પ્રિયંકા આત્મવિશ્વાસપૂર્વક સંબોધન કરતાં ઘણી વખત જોવા મળ્યાં છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]