ચિંતાજનકઃ રાજ્યમાં બે વિદ્યાર્થીઓનાં હાર્ટ એટેકથી મોત

અમદાવાદઃ રાજ્યમાં નાની વયે હાર્ટ એટેક આવવના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. હાલમાં જ એક વિદ્યાર્થિની ક્લાસમાં અચાનક ઢળી પડી હતી.હવે જામનગરના 13 વર્ષના કિશોરનું મુંબઈમાં હાર્ટ એટેક આવવાને કારણે મોત થયું છે. મૃતક વિદ્યાર્થી મુંબઈમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ જામનગરની કામદાર કોલોનીમાં રહેતા વેપારી સચિનભાઈ ગંઢેચાના 13 વર્ષના પુત્ર ઓમનું મુંબઈમાં હાર્ટ એટેકનો હુમલો આવતાં મોત થયું છે. ઓમ મુંબઈમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે તેને આજે અચાનક હૃદય રોગનો હુમલો થયો હતો. પુત્રના મોતના સમાચારથી પરિવારમાં ઘેરા શોકની લાગણી છે.

બીજી બાજુ, જેતપુરમાં 18 વર્ષની વિદ્યાર્થિનીનું હાર્ટ એટેકથી મોત થયું હતું. મૃતક વિદ્યાર્થીની સરદાર પટેલ કન્યા કેળવણી મંડળમાં અભ્યાસ કરતી હતી. BCAમાં અભ્યાસ કરતી કશિશ પીપળવાનું હોસ્ટેલમાં મોત થયું હતું. મૃતક વિદ્યાર્થિની મૂળ જામકંડોરણા તાલુકાના જામદાદરની રહેવાસી હતી. મૃતક વિદ્યાર્થિનીને બે વર્ષથી વાલ્વની બીમારી હતી. હાર્ટ એટેકથી મોત થયાનું જેતપુર સરકારી હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું હતું.

ડોકટરો અને આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર દેશમાં હૃદયરોગના હુમલાના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે. 20 વર્ષની ઉંમરના છોકરાઓ અને 30 વર્ષની મહિલાઓનાં પણ પણ હાર્ટ એટેકથી મોત થઈ રહ્યાં છે. હૃદયરોગના કારણે અનેક લોકો ઈમરજન્સી વોર્ડમાં દાખલ થઈ રહ્યા છે. યુરોપિયનોની સરખામણીમાં ભારતીયો અકાળે હૃદયરોગના હુમલાથી પીડાય છે. તેની પાછળનું સૌથી મોટું કારણ ખરાબ જીવનશૈલી અને ઊંઘની પેટર્ન માનવામાં આવે છે.

આ સાથે રાજ્યમાં દૈનિક ધોરણે 60 હ્દય રોગના કેસ દવાખાનાઓમાં આવી રહ્યા છે. રાજ્યમાં ઓક્ટોબરના પ્રારંભે હ્દય રોગને લગતા 1700થી વધુ કેસો નોંધાયા છે.