શું ગુજરાતમાં ભાજપને ભારે પડશે ક્ષત્રિયોની નારાજગી?

અમદાવાદઃ લોકસભા ચૂંટણીનાં દુંદુભિ વાગી ચૂક્યાં છે, ત્યારે ભાજપને કોઈ પણ સમાજ કે વર્ગને નારાજ કરવું પાલવે તેમ નથી, પણ ગ્રહણ ટાણે જ સાપ નીકળ્યો છે. ભાજપે આ વખતે યેનકેનપ્રકારેણ વધુ ને વધુ સીટો (400 સીટો) જીતવાનું લક્ષ્ય રાખ્યું છે, પણ રાજ્યમાં ક્ષત્રિય સમાજ ભાજપથી બહુ નારાજ છે. ક્ષત્રિય સમાજના તમામ સંગઠનોએ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની વિરુદ્ધ તલવારો તાણી છે અને પાર્ટીને ચેતવણી આપી છે કે ચૂંટણીમાં ઉમેદવારને (રૂપાલાને) બદલે, અન્યથા ગંભીર પરિણામો ભોગવવાં પડશે.

ક્ષત્રિય સમાજની આ નારાજગીનું કારણ રૂપાલાનું હાલના દિવસોમાં અપાયેલું નિવેદન છે. રૂપાલાને ભાજપે રાજકોટથી ઉમેદવાર બનાવ્યા છે.

શું કહ્યું હતું રૂપાલાએ?

રૂપાલાએ થોડા દિવસ પહેલાં એક સભામાં કહ્યું હતું કે બ્રિટિશ શાસન દરમ્યાન રાજાઓ અને મહારાજાઓએ પોતાનું માથું ઝુકાવી દીધું હતું અને તેમની સાથે રોટી-બેટીનો સંબંધ બનાવી લીધો હતો, પરંતુ દલિત સમાજથી આવનારા રુખી સમાજે પોતાનું માથું નહોતું નમાવ્યું. એટલા માટે તેમને હું સલામ કરું છું અને આ જ વાત હતી, જેણે સનાતન ધર્મને જીવિત રાખ્યો… જય ભીમ.

કેન્દ્રીય મંત્રીનું નિવેદન જેવું સોશિયલ મિડિયા પર વાઇરલ થયું તો ક્ષત્રિય સમાજના લોકો રસ્તા પર ઊતરી આવ્યા, ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ક્ષત્રિય સમાજની મોટી વસતિ છે અને અહીં તેમના નિવેદનનો ખાસ્સો વિરોધ થઈ રહ્યો છે.

હાલમાં ક્ષત્રિય સમાજથી જોડાયેલા લોકોએ સાબરકાંઠા, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમદાવાદ અને સુરત સહિત અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન થયાં. અમદાવાદમાં તો 1000 ક્ષત્રિયોએ રેલી કાઢી હતી.

ક્ષત્રિય સમાજના વિરોધ પછી રૂપાલાએ એક વિડિયો જારી કરીને માફી માગતાં કહ્યું હતું કે તેમનો ઇરાદો કોઈ રાજઘરાનાનું અપમાન કરવાનો નહોતો. ત્યાર બાદ ભાજપના પ્રદેશાધ્યક્ષે ક્ષત્રિયોની માફી માગી હતી, તેમ છતાં હવે આ મુદ્દાએ રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે.

રૂપાલા પટેલ સમાજમાંથી આવે છે અને સૌરાષ્ટ્રમાં પટેલ અને ક્ષત્રિય સમાજ વચ્ચે તણાવની સ્થિતિ રહી છે. હવે રૂપાલાની ટિકિટ પાછી લે તો ભાજપને પટેલ સમાજની નારાજગીનો સામનો કરવો પડે એવી શક્યતા છે. રાજ્યમાં પટેલોની વસતિ આશરે 20 ટકા છે. જેથી હાલ ભાજપને સાપે છછુંદર ગળ્યા જેવી સ્થિતિ છે.