રૂપાલા વિવાદમાં ભાજપે ક્ષત્રિય સમાજની માફી માગી

ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણીની પહેલાં ગુજરાતમાં પરસોત્તમ રૂપાલાના નિવેદનનો વિવાદ શમવાનું નામ નથી લેતો. જોકે ક્ષત્રિયોના રોષને ઠારવા માટે હવે રાજ્યની ભાજપ સરકારે મોરચો સંભાળ્યો છે. ગાંધીનગરમાં રાજ્યના ભાજપના પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલના ઘરે મહત્ત્વની બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશપ્રમુખ પાટીલ સાથે ભાજપના ક્ષત્રિય નેતાઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠક બાદ સી. આર પાટીલે પત્રકાર પરિષદમાં ક્ષત્રિય સમાજને પાર્ટી સાથે ફરીથી જોડાવા માટે હાથ જોડીને વિનંતી કરી છે.

સમાજનો રોષ સ્વાભાવિક છે પણ હવે જ્યારે માફી માગી છે ત્યારે ક્ષત્રિય સમાજ મોટું મન રાખીને અમને માફ કરે. પાર્ટીના આગેવાનો પણ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિનો સંપર્ક કરવાના છે તેમને મળવાના છે. આવતી કાલે સમાજ સાથે બેઠક કરવામાં આવશે, અને તેમને સાંભળવામાં આવશે અને ધીરે-ધીરે વાતાવરણ શાંત બને એ માટેના પ્રયત્નો કરાશે. આ સાથે તેમણે કહ્યું હતું કે હું હાથ જોડીને ક્ષત્રિય સમાજને વિનંતી કરું છું કે ભૂલ થઈ છે એના માટે માફી પણ મગાવી છે. ક્ષત્રિય સમાજ પાર્ટી સાથે વર્ષોથી રહ્યા છે. તો પાર્ટી સાથે ફરીથી જોડાય.

બીજી બાજુ રૂપાલા સામે ઠેર-ઠેર ક્ષત્રિય સમાજ વિરોધ નોંધાવી રહ્યો છે. ત્યારે આજે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે ક્ષત્રિય સમાજના અલગ-અલગ સંગઠનના લોકો પહોંચ્યા હતા. આ રેલીમાં 1000થી વધુ ક્ષત્રિયો જોડાયા હતા. આ રેલીમાં રૂપાલા હટાવો, દેશ બચાવોના નારા લાગ્યા હતા.

બીજી બાજુ, ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ કાપવાના નિર્ણય પર મક્કમ છે. આ દરમિયાન ભૂતપૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ વિવાદમાં ઝુકાવ્યું છે. શંકરસિંહે કહ્યું હતું કે ભાજપની લુખ્ખી દાદાગીરી સામે ચૂપ ન રહેવાય. ભાજપની માનસિકતા જ ક્ષત્રિયવિરોધી રહી છે. શંકરસિંહે રૂપાલાની ટિકિટ કાપીને બીજા કોઈને ઉમેદવાર બનાવવામાં આવે તેવી વાતને ટેકો આપ્યો હતો. તેમણે કહ્યું કે ભાજપ ક્ષત્રિય સમાજની માગને નહીં સ્વીકારે તો સ્થિતિ વકરશે. કોઈ પણ સમાજનું અપમાન કરવામાં આવે તે યોગ્ય નથી. ઉમેદવાર નહીં બદલાય તો રૂપાલાના નિવેદનને ભાજપનું સમર્થન છે એવું ગણવામાં આવશે.