રથયાત્રા શરૂ થયાનું સાચું વર્ષ કયું..?

માત્ર અમદાવાદનો જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતનો ધર્મોત્સવ એટલે રથયાત્રા. અમદાવાદમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જગન્નાથ મંદિરની આ રથયાત્રા 147મી છે. જો કે અંગ્રેજોની જીયોગ્રાફિકલ ડિક્શનરી ‘ગેઝેટીયર ઓફ ધ બોમ્બે પ્રેસિડેન્સી’ પ્રમાણે આ વર્ષે 155માં રથયાત્રા છે.

પહેલાના સમયમાં ન્યુઝ પેપર કે અન્ય એવા કોઈ માધ્યમ ન હતા. તો વળી ઈતિહાસ સાચવવા પ્રત્યે લોકો જાગૃત પણ  ન હતા. જો કે એ સમયે બ્રિટીશરોએ ભારતનો ઈતિહાસ સાચવ્યો હતો. એમણે બનાવેલા ગેઝેટિયરમાં તહેવારો અને અન્ય નાની નાની વાતોની માહિતીનો ઉલ્લેખ છે. આજે પણ ઘણીવાર જૂની માહિતી જોઈતી હોય તો એમના ગેઝેટિયરમાં લખેલા લખાણનો ઉપયોગ કરવામાં આવે છે. આ જ ગેઝેટિયરમાં રથયાત્રાની શરૂઆત 1869માં થઈ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ગેઝેટિયરમાં લખ્યું છે કે..

ગેઝેટિયર ઓફ ધ બોમ્બે પ્રેસિડેન્સી વોલ્યુમ-૪ના પાના નંબર ૩૦4 પર અમદાવાદમાં ઉજવાતા હિંદુ તહેવારોની માહિતી આપવામાં આવી છે. જેમાં  જેમાં રથયાત્રા અંગે લખેલું છે કે જમાલપુર દરવાજાથી, આસો સુદ બીજ (જુલાઈ)ના રોજ, આશરે ૨૦૦૦ હિંદુઓ જગન્નાથની રથયાત્રામાં જોડાય છે. આ પ્રથાની શરૂઆત ૧૮૬૯માં જગન્નાથના હનુમાનદાસ બાવાએ કરી હતી.

ધર્મની વાત છે માટે સારી જ છે

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ કહે છે “ પહેલાં અહીં બિલ્ડીંગ, મકાન કઇં હતું નહીં. મંદિરની આસપાસ ખુલ્લી જગ્યા હતી. માટે એવું હોય કે પહેલા મંદિરના પરિસરમાં પ્રતીકાત્મક રીતે પહેલાની તારીખ(1869) પ્રમાણે નાની રથયાત્રા થતી હોય. પાછળથી મહારાજશ્રીએ વ્યવસ્થાના ભાગરૂપે જોઈને ધીમે-ધીમે એનું વિસ્તરણ કર્યુ હોય અને ત્યારબાદ એ સાલ(1878)થી મોટા પ્રમાણમાં રથયાત્રા નીકળવાની શરૂ થઈ હોય. આમ પણ આ ધર્મનું કાર્ય છે એમાં જ્યારથી થઈ હોય સારી જ વાત છે.

એમની પાસે પુરાવા નથી

ગેઝેટિયરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રથયાત્રાની શરૂઆત 1869માં થઈ છે. એમ કહેતા ઇતિહાસકાર ડો.રિઝવાન કાદરી ચિત્રલેખા.કોમને કહે છે “ ગાંધીજીનો જન્મ 1869માં થયો છે અને એ જ વર્ષે અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત પણ કરવામાં આવી હતી. પહેલી રથયાત્રાની શરૂઆત હનુમાનદાસજીએ કરી હતી. ગેઝેટિયરમાં લખ્યું છે એ પ્રમાણે એ વર્ષે બે હજાર લોકો આ રથયાત્રામાં જોડાયા હતા. દર વર્ષે ભાવિકોની સંખ્યા વધતી જાય છે. મંદિરના સત્તાધીશોના કહ્યા પ્રમાણે રથયાત્રાનું વર્ષ 1878 એટલે કે પહેલાની રથયાત્રાના નવ વર્ષ પછી. પરંતુ એમની પાસે કોઈ પુરાવા નથી. એમનું કહેવું એમ પણ છે કે રથયાત્રાની શરૂઆત નરસિંહદાસજીના સમયમાં થઈ છે. પરંતુ હકીકતમાં એમના ગુરુ હનુમાનદાસજીના સમયમાં જ રથયાત્રાની શરૂઆત થઈ છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદનો ઈતિહાસ વર્ણવતા રત્નમણિરાવના પુસ્તક ગુજરાતનું પાટનગર અમદાવાદમાં પણ 1869માં જ રથયાત્રા શરૂ થવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કે એવું બની શકે કે હનુમાનદાસજી મહારાજે 1869માં રથયાત્રાની શરૂઆત કરી હોય અને નરસિંહદાસજી મહારાજના સમયમાં વધારે પ્રસિદ્ધિ પામી હોય. અન્ય એક વાત એ પણ નોંધવા જેવી છે કે આ અંતે તો છે ધર્મોત્સવ પછી એ ગમે એ વર્ષે શરૂ થાય. વાત તો ભગવાનની ભક્તિમાં લીન થવાની જ છે.