અમદાવાદઃ ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટીમાં આંતરરાષ્ટ્રીય વ્હેલ શાર્ક દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અલગ-અલગ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓને વ્હેલ શાર્કના સંરક્ષણના પ્રયાસો દર્શાવતી ફિલ્મ બતાવવામાં આવી.
આ ઉપરાંત દેવેન મહેતા, પ્રોગ્રામ ઓફિસર ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા વિદ્યાર્થીઓને વ્હેલ શાર્ક વિશે ઊંડાણપુર્વક માર્ગદર્શન પૂરુ પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એમ.જી.સાયન્સ કોલેજ, ગાંધીનગર સાયન્સ કોલેજ, મણીનગર સાયન્સ કોલેજ અને એફ.ડી. વુમન સાયન્સ કોલેજના આશરે 100 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આ સાથે વિદ્યાર્થીઓએ સરકારના મિશન લાઇફ કાર્યક્રમ વિશે પણ જાણકારી મેળવી હતી. ગુજરાત સાયન્સ સિટી અવિરતપણે આવા વિજ્ઞાનના પ્રચાર અને પ્રસારના કાર્યક્રમો કરતી રહે છે.