ગાંધીનગરઃ કલોલના રેલવે પૂર્વ વિસ્તારમાં દૂષિત પાણીને કારણે ઝાડા-ઊલટીનો રોગચાળો ફાટી નીકળ્યો છે. આ રોગચાળામાં પિતા-પુત્ર અને એક બાળકી સહિત ત્રણ વ્યક્તિનાં મોત થતાં જિલ્લા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. છેલ્લા પંદર દિવસથી અનેક ફરિયાદો કરવા છતાં કલોલ નગરપાલિકા તંત્રએ લીકેજ પાઇપલાઇન રિપેર નહીં કરાવતાં 100થી વધુ લોકો ઝાડા-ઊલટીમાં સપડાયા છે. પાલિકાની ઘોર બેદરકારી સામે સ્થાનિક રહીશોમાં આક્રોશની લાગણી ભભૂકી ઊઠી છે.
કલોલ-પૂર્વમાં આવેલા જે.પી.ની લાટી તેમજ શ્રેયસના છાપરાં વિસ્તારમાં છેલ્લા ઘણા વખતથી પાણીજન્ય રોગચાળો ફેલાયો હતો. આરોગ્ય વિભાગની ભલામણથી તંત્ર દ્વારા આ અસરગ્રસ્ત વિસ્તારના બે કિલોમીટર ત્રિજ્યાને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી દરમિયાન ૪૦ જેટલા ઝાડા-ઊલટીની તકલીફ ધરાવતા દર્દીઓ મળી આવ્યા હતા.
છેલ્લા પંદરથી વધુ દિવસથી ગટરનું દુર્ગંધ મારતું દૂષિત પાણી આવતું હોવાના પગલે કલોલ પૂર્વ વિસ્તારમાં આવેલા જે.પીની લાટીના છાપરામાં ઝાડા-ઊલટીનો રોગચાળો ફાટી નીકળ્યો છે.
કલોલના રેલવેના વિસ્તારમાં શ્રેયસના છાપરાં, ત્રિકમનગર, જે. પી.ની લાટી, આંબેડકરનગર, અને દત્તનગર હરિકૃપા હોસ્પિટલ પાછળના વિસ્તારમાં છેલ્લા ઘણા વખતથી પાણીની સમસ્યા ઊભી થઈ હતી. આ વિસ્તારમાં આપવામાં આવતું પાણી અત્યંત દૂષિત અને દુર્ગંધયુક્ત હતું જેને લઇને આ સ્લમ એરીયામાં ગંભીર અને જીવલેણ રોગચાળો ફાટી નીકળ્યો છે. પાણીજન્ય રોગચાળામાં ત્રણ વ્યક્તિઓના મોત થયા તંત્ર સફાળું જાગ્યું હતું અને આ વિસ્તારમાં આરોગ્ય તથા સ્થાનિક નગરપાલિકા અને રાજ્યની ટીમોએ ધામાં નાખ્યા હતા. કલોલ-પૂર્વનો આ અસરગ્રસ્ત બે કિલોમીટર ત્રિજ્યાનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે.