‘ટોયકેથોન-2021’માં શાંતિ બિઝનેસ સ્કૂલની ટીમ વિજયી

અમદાવાદઃ ‘ટોયકેથોન-2021’ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભારત સરકારની એક પહેલ છે,  જેને ‘આત્મનિર્ભર ભારત અભિયાન’  હેઠળ શરૂ કરવામાં આવી છે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના ઇનોવેશન્સ સેલ તથા અન્ય કેટલાક મંત્રાલયો અને એઆઇસીટીઈના સહયોગથી આ સ્પર્ધાનું  રાષ્ટ્રીય સ્તરે આયોજન કરવામાં આવે છે.  આની પાછળનો હેતુ યુવા વ્યક્તિઓના અભિનવ માનસને નવીન પ્રકારના રમકડાં બનાવવા માટે પ્રેરિત કરવાનો છે જેમાં ભારતની સમૃદ્ધ સભ્યતા, ઇતિહાસ, સંસ્કૃતિ, પૌરાણિક કથાઓ અને મૂલ્યોને ધ્યાનમાં રાખવામાં આવે.

શાંતિ બિઝનેસ સ્કૂલ (એસબીએસ)ના છ વિદ્યાર્થીઓની ટીમ – વિધિ ઘિયા, અંકિતા મહાતો, અઝિઝા ડ્રાઇવર, ચેતના શેઠીયા, પ્રીતમ ડે અને ઉત્પલ ઓઝાએ એસબીએસના ફેકલ્ટી વડાં ડો. શ્રેયા બિશ્વાસ અને ડો. નેહા સિંઘની આગેવાની હેઠળ ટોયકેથોનમાં ભાગ લીધો હતો. તેમણે ‘ટ્રુસેડર્સ'(Trusaders) બેનર હેઠળ ભાગ લીધો હતો. આ ટીમે ‘ટેક્સીડી’- ‘જર્ની ઓફ ઇન્ડિયા’  ગેમ રજૂ કરી હતી.  આ એક બોર્ડ ગેમ છે જેને ભારતીય સંસ્કૃતિ, ઇતિહાસ અને મૂલ્યોને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવી છે. 6થી 14 વર્ષની વયનાં બાળકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલી આ મલ્ટીપલ-રાઉન્ડ બોર્ડ-ગેમ મનોરંજનથી ભરપૂર છે. તે બાળકોને ભારતના તહેવારો, ખાનપાન પદ્ધતિઓ, પરંપરાગત પોષાક, ઐતિહાસિક સ્થળો તેમજ દેશના ભવ્ય અને વિશાળ વારસાથી પરિચિત કરાવે છે.

સમગ્ર ભારતમાંથી  મળેલી 17,749 એન્ટ્રીઓમાંથી 2537ને ફાઇનલ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી હતી. ફાઇનલ ત્રણ દિવસના હેકેથોનના સ્વરૂપમાં હતી. તેમાં AICTE દ્વારા નિયુક્ત જ્યુરી સભ્યોએ ગેમનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન જોયું હતું. હેકેથોનના બે રાઉન્ડમાં ક્વોલિફાઈ થયેલી ટીમ જ ફાઇનલ રાઉન્ડમાં ભાગ લઈ શકી હતી. ટીમ-એસબીએસએ જોરદાર દેખાવ સાથે બે રાઉન્ડ પાર કર્યા હતા જેથી જ્યૂરી દ્વારા તેને ખાસ બિરદાવવામાં આવી હતી. ફાઇનલ રાઉન્ડમાં એસબીએસની ટીમે પોતાનો દેખાવ જાળવી રાખ્યો હતો અને જ્યુરીને પોતાના વિશિષ્ટ કન્ટેન્ટ દ્વારા પ્રભાવિત કરી હતી. એટલું જ નહીં, તેને આપવામાં આવેલા ફીડબેકને સામેલ કરવાની ક્ષમતાથી પણ પ્રભાવ પાડ્યો હતો.

આ અંગે વધુ જણાવતાં શાંતિ બિઝનેસ સ્કૂલનાં ડિરેક્ટર ડો. નેહા શર્માએ કહ્યું કે અમે વિજેતા વિદ્યાર્થીઓને ‘એસબીએસ ફાઉન્ડેશન ફોર આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ’ના ઇનક્યુબેશન સેન્ટરમાં સામેલ કરીશું, તેમજ અમારા  વિધાર્થીઓમાં રહેલા કૌશલ્યને સક્ષમ મંચ પુરૂં પાડવા તત્પર છીએ.