અપૂરતા રસીના સ્ટોકને લીધે રાજ્યમાં તાત્પૂરતું રસીકરણ બંધ

અમદાવાદઃ કોરોના રોગચાળાની સંભવિત ત્રીજી લહેરની ભીતિને પગલે રાજ્યમાં રસીકરણ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, પણ સરકાર પાસે જ રસીકરણ માટે પૂરતો જથ્થો ઉપલબ્ધ નથી. આ કારણોસર રાજ્યમાં ગુરુવારે-શુક્રવારે પણ રસીકરણ બંધ રાખવા નક્કી  કરવામાં આવ્યું છે. સતત ત્રીજા દિવસે પણ રસી આપવાનું બંધ રહેશે. આ ઉપરાંત આગામી ૪૮ કલાકમાં ત્રણ લાખથી વધુ રસીના ડોઝ નહીં મળે તો વધુ બે દિવસ સુધી એટલે કે શનિ-રવિ પણ રસીકરણની કામગીરી બંધ રાખવી પડશે.

રાજ્યમાં રસીકરણની કામગીરીમાં રસીના જથ્થાની તંગી સર્જાઈ છે, પરિણામે તમામ મહાનગરોમાં રસીના જથ્થા પર કાપ મૂકવામાં આવ્યો હતો. કેન્દ્ર તરફથી રસીનો જથ્થો આપવામાં નહીં આવતાં રસીકરણને બ્રેક મારવી પડી છે.

બુધવારે પણ મમતા દિવસના બહાનું આગળ ધરીને આરોગ્ય વિભાગે રસીકરણ બંધ રાખ્યું હતું. કેન્દ્રીય આરોગ્ય વિભાગે ગુજરાતને જરૂરિયાત કરતાં ૪૦થી વધુ ટકા રસીનો જથ્થો ઓછો ફાળવવામાં આવતાં રસીકરણ બંધ રાખવાની ફરજ પડી છે. રાજ્યમાં પ્રતિદિન ચાર લાખ લોકોને રસી આપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે, પણ કેન્દ્ર સરકાર માત્ર સવા બે લાખ જ રસીના ડોઝ ફાળવે છે, જેને કારણે રસીની કામગીરી મંદ પડી છે.

રાજ્યના રસીકરણના કેન્દ્રો પર રસીકરણની કામગીરી દરમ્યાન લોકોના ટોળેટોળાં પર જામતાં હતાં, પરિણામે સ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈને હોબાળો મચાવતા હતા.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]