મોદીજીએ લાઈનમાં ઊભા રહીને મતદાન કર્યું

અમદાવાદઃ નવી ગુજરાત વિધાનસભાની બે તબક્કાની ચૂંટણી માટે આજે બીજા અને આખરી તબક્કાનું મતદાન સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. સુરક્ષાના જડબેસલાક બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મતદાન સાંજે પાંચ વાગ્યા સુધી ચાલુ રખાશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શહેરના રાણીપ વિસ્તારમાં નિશાન પબ્લિક સ્કૂલ ખાતે જઈને ત્યાં ઊભા કરવામાં આવેલા પોલિંગ બૂથમાં મતદાન કર્યું હતું. તેઓ અન્ય મતદારોની સાથે લાઈનમાં ઊભા રહ્યા હતા અને પોતાનો વારો આવે એની રાહ જોઈ હતી.

આજના તબક્કામાં મધ્ય અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની 93 સીટ માટે મતદાન થઈ રહ્યું છે. આ માટે 833 ઉમેદવારો ચૂંટણીજંગમાં ઉતર્યાં છે. આશરે અઢી કરોડ મતદારો આ બેઠકો પરના ઉમેદવારોનું ચૂંટણી ભાવિ નક્કી કરશે. 1 ડિસેમ્બરે, પહેલા તબક્કામાં 89 બેઠકો માટે 63.31 ટકા મતદાન થયું હતું. કુલ 182-સીટ માટેની વિધાનસભાની ચૂંટણીની મતગણતરી અને પરિણામની જાહેરાત 8 ડિસેમ્બરે કરાશે.

ચૂંટણી પંચે 26,409 પોલિંગ બૂથ ઊભા કર્યા છે. આમાંના 93 પોલિંગ બૂથ ઈકો-ફ્રેન્ડ્લી બનાવવામાં આવ્યા છે. બીજા 93 પોલિંગ બૂથ દિવ્યાંગ વ્યક્તિ દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યા છે જ્યારે 14 બૂથનું સંચાલન યુવા વ્યક્તિઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. મતદાન માટે આશરે 36,000 ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ)નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે શિલજ વિસ્તારની અનુપમ સ્કૂલ ખાતે જઈને ત્યાં ઊભા કરવામાં આવેલા પોલિંગ બૂથમાં મતદાન કર્યું હતું. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલ અમદાવાદમાં મતદાન કરશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સવારે 10.30 વાગે નારણપુરામાં મતદાન કરશે. ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ કડીમાં મતદાન કરવાના છે.

શહેરી વિસ્તારોનાં મતદારો મતદાન કરવા માટે ઉત્સાહ બતાવે એવી ગુજરાતના વડા ચૂંટણી અધિકારી પી. ભારતીએ કરેલી અપીલની અસર થઈ છે. અમદાવાદ સહિત અનેક મોટા શહેરોમાં લોકો મોટી સંખ્યામાં વોટ આપવા બહાર પડ્યાં છે. અનેક મતદાન મથકો પર લોકોની લાંબી લાઈન જોવા મળી રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]