મતદારોમાં-ઉત્સાહઃ ગુજરાતમાં 89-બેઠકો પર ચાલી રહ્યું છે મતદાન

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની 182-બેઠકોની ચૂંટણી માટે બે તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. આજે પહેલા તબક્કામાં, 19 જિલ્લાઓમાં 89 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. સવારે 8 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે પાંચ વાગ્યા સુધી ચાલુ રખાશે. આ 89 બેઠકો સૌરાષ્ટ્ર પ્રદેશના જિલ્લાઓ અને સરહદીય કચ્છ જિલ્લા, તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં છે. આજનું મતદાન આ મતવિસ્તારોના 788 ઉમેદવારોનું ચૂંટણી ભાવિ નક્કી કરશે.

બીજા તબક્કાનું મતદાન પાંચ ડિસેમ્બરે થશે. મતગણતરી અને પરિણામ માટે 8 ડિસેમ્બરનો દિવસ નિશ્ચિત કરાયો છે. આજે 3,311 શહેરી અને 11,071 ગ્રામિણ વિસ્તારોમાં 14,382 મતદાન મથકો ખાતે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. પ્રક્રિયા પર ચાંપતી નજર રાખવા માટે લાઈવ વેબકાસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યું છે.

સવારથી જ લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા બહાર પડેલા જોવા મળ્યા હતા. રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજકોટ પૂર્વમાં મતદાન કર્યું છે. કેન્દ્રીય પ્રધાન પુરુસોત્તમ રૂપાલાએ મતદાન કરવા જતા પહેલાં ઈશ્વરીયા ગામમાં મહાદેવ મંદિરે જઈને દર્શન કર્યા હતા.

ગુજરાતમાં 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું રાજ છે. તે સતત સાતમી વખત ચૂંટણી જીતવા અગ્રેસર છે. જો તે સફળ થશે તો ડાબેરી મોરચાના વિક્રમની બરોબરી કરશે. ડાબેરી મોરચાએ પશ્ચિમ બંગાળમાં 2011 સુધી સતત સાત વખત વિધાનસભા ચૂંટણી જીતીને સત્તા જાળવી રાખી હતી.

2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે આ 89 બેઠકોમાંથી 48માં જીત હાંસલ કરી હતી જ્યારે કોંગ્રેસને ફાળે 40 સીટ આવી હતી. એક સીટ પર અપક્ષ ઉમેદવાર જીત્યો હતો.

આજના તબક્કામાં જે 788 ઉમેદવારો ચૂંટણીજંગમાં ઉતર્યા છે એમાં 70 મહિલાઓ છે.

ગુજરાતમાં કુલ 4,91,35,400 રજિસ્ટર્ડ મતદારો છે. એમાંના 2,39,76,670 મતદારો આજે પહેલા તબક્કામાં મતદાન કરી શકશે.