ડેમમાંથી પાણી છોડાતાં તાપીનાં કાંઠાના ગામડાને સાબદાં કરાયાં

અમદાવાદઃ રાજ્યમાં અષાઢી મહિનામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસ્યો છે.  દક્ષિણ ગુજરાતમાં પડેલા ઉપરવાસમાં ભારે વરસાદે ઉકાઈ ડેમમાં પુષ્કળ પાણીની આવક થઈ રહી છે, જેથી સાવચેતીરૂપે ઉકાઈ ડેમમાં વિભાગ દ્વારા આશરે બે લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું હતું, જેમાં ડેમના 13 દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેથી તાપી નદીના કાંઠાના વિસ્તારોનાં ગામડાંઓમાં પાણી ફરી વળ્યાં છે. ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવતાં નદી ગાંડીતૂર બની હતી.

હાલ તાપી નદી બે કાંઠે વહી રહી છે, જેને લીધે કાંઠાના વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં છે. આમ તાપી નદી ગાંડીતૂર થતાં કાંઠા વિસ્તારના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. ઉકાઈ ડેમમાં ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે 2.28 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેથી ડેમની સપાટી રૂલ લેવલ 333ને પાર કરીને 333.38 પર પહોંચી ગઈ છે. તાપી નદીની સપાટી સુરતના કોઝવે પર 9.46 મીટર પર પહોંચી ગઈ છે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં અમદાવાદ  સહિત ઉત્તર ગુજરાતમાં અન  કચ્છ-સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહીને પગલે રાજ્યમાં NDRFની 13 ટીમ અને SDRFની 21 ટીમો તહેનાત કરવામાં આવી છે. વિભાગ દ્વારા બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, છોટા ઉદેપુર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, દાહોદ, વલસાડ, દમણ અને દાદરા અને નગર-હવેલીમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી હતી.