સામાજિક આધાર વગર રાજકીય લોકશાહી નહીં ટકેઃ CM

ગાંધીનગરઃ રાજ્યની વિધાનસભામાં અખિલ ભારતીય પ્રમુખ અધિકારીઓની પરિષદનાં ૧૦૦ વર્ષ અને ભારતની સ્વતંત્રતાના હીરક જયંતી વર્ષની ઉજવણીના ભાગરૂપે “યુવા મોડેલ એસેમ્બલી”નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાની ગણેશ વાસુદેવ માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરો તથા ધ સ્કૂલ પોસ્ટના સંયુક્ત ઉપક્રમે આ આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષા ડો.નિમાબહેન આચાર્યએ આ પ્રસંગે જણાવ્યું હતું કે યુવાનોની દેશના વિકાસની પ્રક્રિયામાં ભાગીદારી વધે અને ભવિષ્યમાં સુશાસન પૂરુ પાડે તેવું યુવાધન આ દેશને મળે તે માટે ઘડતરરૂપ ‘‘યુવા મોડેલ એસેમ્બલી’’ જેવા કાર્યક્રમોનું આયોજન કરી તેમને રાજકીય ક્ષેત્રથી પ્રશિક્ષિત કરવા જરૂરી છે.આ યુવા મોડેલ એસેમ્બલી વિદ્યાર્થીઓને ભવિષ્યના સારા નેતા બનવાની પ્રેરણા પૂરી પાડવા માટે એક અનોખું માધ્યમ સાબિત થશે.

આ યુવા મોડેલ એસેમ્બલીના માધ્યમથી રાજ્યનો યુવા વર્ગ સક્ષમ, અનુભવી અને રાષ્ટ્રપ્રેમી બનશે, યુવાનોમાં નેતૃત્વશક્તિ ખીલવે અને લોકશાહીની પ્રત્યક્ષ તાલીમ આપે તેવી આ ‘યુવા મોડેલ એસેમ્બલી’નું આયોજન કરનારી ગુજરાત વિધાનસભા દેશમાં પ્રથમ છે.

યુવા મોડેલ એસેમ્બલી’ને સંબોધન કરતાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે દેશમાં વર્ષો સુધી ‘ન્યુ-એજ વોટર’ તરીકે જોવાતી યુવાશક્તિને ‘ન્યુ એજ પાવર’ તરીકે પ્રસ્થાપિત થવાના અનેક અસરો વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યુવાનોને આપ્યા છે.  વિવિધ જિલ્લાઓમાંથી પસંદગી પામેલા યુવાનો આજે અહીં મોક એસેમ્બલી રચીને જન પ્રતિનિધિનું દાયિત્વ અદા કરવાનો અનુભવ લઈ રહ્યા છે.

સામાજિક લોકશાહીના મજબૂત આધાર વગર રાજકીય લોકશાહી ટકી શકે નહીં. સામાજિક લોકશાહી સમાનતા, સ્વતંત્રતા અને બંધુતાના મૂલ્યોને આધારે સ્થાપી શકાય. વળી, ‘યુવા મોડેલ એસેમ્બલી’ પોલિટિકલ ડેમોક્રસીથી સોશિયલ ડેમોક્રસીનો સંદેશ આપશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાત વિધાનસભાની યોજાયેલા યુવા મોડેલ એસેમ્બલીના શુભારંભ પ્રસંગે સંસદીય મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, યુવા અને સંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના મંત્રી હર્ષ સંઘવી, ગુજરાત વિધાનસભા શાસક પક્ષના દંડક  પંકજભાઈ દેસાઈ, ગુજરાત વિધાનસભા વિપક્ષના ઉપનેતા શૈલેષભાઈ પરમાર સહિત મંત્રીમંડળના સભ્યો, પૂર્વ મંત્રીઓ, ધારાસભ્યઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]