સોનિયા ગાંધીની બે કલાક સુધી પૂછપરછ કરાઈ

નવી દિલ્હીઃ નેશનલ હેરાલ્ડ સંબંધિત કેસમાં સમન્સ બજાવાયા બાદ કોંગ્રેસનાં વચગાળાનાં પ્રમુખ સોનિયા ગાંધી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી) એજન્સીના અત્રેના મુખ્યાલય ખાતે આજે હાજર થયાં હતાં. તપાસનીશ અધિકારીઓએ આ વિષયના સંદર્ભમાં બે કલાક સુધી એમની પૂછપરછ કરી હતી. બાદમાં સોનિયાએ જ્યારે એવી વિનંતી કરી કે પોતે કોરોનાવાઈરસ બીમારીમાંથી હજી પૂરાં સાજાં થયાં નથી એટલે અધિકારીઓએ પૂછપરછ સત્ર સમાપ્ત કરી દીધું હતું.

સોનિયા ગાંધીની પૂછપરછ મહિલા અધિકારી સહિત જોઈન્ટ ડાયરેક્ટર સ્તરના અધિકારીની એક ટૂકડીએ કરી હતી. સૂત્રોનાં જણાવ્યા મુજબ, સોનિયા ગાંધીને એ જ સવાલો પૂછવામાં આવ્યા હતા જે પાંચ દિવસ અગાઉ એમનાં પુત્ર રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યા હતા. સોનિયા ગાંધીની સાથે એમનાં પુત્રી અને પક્ષનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રા પણ ઈડી કાર્યાલય ખાતે ગયાં હતાં. યન્ગ ઈન્ડિયા અને એસોસિએટેડ જર્નલ લિમિટેડ વચ્ચે થયેલા સોદામાં સોનિયા ગાંધીની ભૂમિકા શું હતી એ વિશેના સવાલો એમને પૂછવામાં આવ્યા હોવાનું મનાય છે.