નૂપુરની હત્યાના ઇરાદે સીમા પાર કરનાર પાકિસ્તાનીની ધરપકડ

જયપુરઃ ભાજપનાં ભૂતપૂર્વ પ્રવક્તા નૂપુર શર્માની હત્યાના ઇરાદાથી શ્રીગંગાનગરના રસ્તે ભારતીય સરહદમાં ઘૂસેલા 24 વર્ષીય પાકિસ્તાની નાગરિક રિઝવાન અશરફે તપાસમાં જણાવ્યું હતું કે તે મૌલવીઓના કહેવાથી તે અહીં આવ્યો હતો. નૂપુર શર્માના વિવાદિત નિવેદન પછી પાકિસ્તાનના પંજાબમાં કેટલાય કટ્ટરપંથી નેતાઓ અને મૌલવીઓની બેઠક થઈ હતી.

આ બેઠકમાં યુવાનોને નૂપુર શર્માની હત્યા કરવા માટે કહેવામાં આવ્યું હતું. બે મૌલવીઓએ તેને પાકિસ્તાનથી નજીક રાજસ્થાનના શ્રીગંગાનગરના રસ્તે ભારતીય સરહદમાં પ્રવેશવા કહેવામાં આવ્યું હતું. પોલીસ તપાસમાં તેણે કબૂલ્યું હતું કે તેને નકશો અને પુસ્તક ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં હતાં.  પંજાબ પ્રાંતના કોઠિયાલ શેખથી આંતરરાષ્ટ્રીય સરહદ સુધી પહોંચવા માટે તેણે પાંચ બસો બદલી હતી અને 20 કિલોમીટર પગપાળા ચાલીને તે ગૂગલ મેપના સહરે 16 જુલાઈએ રાત્રે 11 કલાકે  શ્રીગંગાનગર  જિલ્લાની હિન્દુમલકોટ સરહદ પર ફેસિંગની પાસે પહોંચ્યો હતો. તે તારની વાડ પાર કરતો હતો, ત્યારે તેને બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાનોએ તેને પકડી લીધો હતો.

પ્રારેંભિક તપાસ પછી BSFએ રિઝવાનને સ્થાનિક પોલીસને સોંપી દીધો હતો. સ્થાનિક પોલીસ અને જાસૂસી એજન્સીના પ્રતિનિધિઓ રિઝવાનની ઊલટ તપાસ કરી રહ્યા છે. જિલ્લા પોલીસ અધિકારી આનંદ શર્માએ જણાવ્યું હતું કે રિઝવાનની પાસે ધાર્મિક પુસ્તકો, એક 11 ઇંચનું ચાકુ, કપડાં અને ટિફિન મળ્યાં હતાં. રિઝવાને જણાવ્યું હતું કે તેને એ માલૂમ નથી કે નૂપુર શર્મા ક્યાં રહે છે અને તેના સુધી કેવી રીતે એ પહોંચશે. રિઝવાનને વધારાની જિલ્લા મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં તેમને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યો હતો.