દ્રૌપદી મુર્મુની જીતઃ બન્યાં દેશનાં 15મા રાષ્ટ્રપતિ

  • નવી દિલ્હીઃ મૂળ ઓડિશાનાં અને આદિવાસી સમાજનાં તથા ઝારખંડનાં ભૂતપૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં જીત મેળવી લીધી છે. શાસક ભાજપ-એનડીએનાં ઉમેદવાર મુર્મુએ આજે અત્રે સંસદભવન ખાતે હાથ ધરવામાં આવેલી મતગણતરીમાં એમનાં હરીફ, સંયુક્ત વિપક્ષી ઉમેદવાર અને ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાં પ્રધાન યશવંત સિન્હાને પરાજય આપ્યો છે. આ સાથે મુર્મુ દેશનાં દ્વિતીય અને કુલ 15મા રાષ્ટ્રપતિ બન્યાં છે અને હાલના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અનુગામી બન્યાં છે. દેશનાં પ્રથમ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ હતાં.

ચોથા અને આખરી રાઉન્ડને અંતે મુર્મુએ ૨,૮૨૪ અને સિન્હાએ ૧,૮૭૭ મત મેળવ્યા હતા. આ ચૂંટણીમાં કુલ ૪,૭૫૪ મત પડ્યા હતા, એમાંથી ૪,૭૦૧ કાયદેસર ઠર્યા હતા.

આજે સવારે 11 વાગ્યાથી શરૂ કરવામાં આવેલી મતગણતરીમાં પહેલા રાઉન્ડમાં મુર્મુ આસાનીથી જીતી ગયાં હતાં. એમાં તેમને 1,349 મત મળ્યાં હતાં જ્યારે સિન્હાને 537. બીજા રાઉન્ડની ગણતરી બાદ કુલ 1338 માન્ય મતોમાંથી મુર્મુને 809 અને સિન્હાને 329 મત મળ્યા હતા. પહેલા રાઉન્ડની જીત બાદ મુર્મુનો વિજય નિશ્ચિત જણાતાં દેશભરમાં ભાજપનાં કાર્યકર્તાઓએ ઉજવણી કરવાનું શરૂ કરી દીધું હતું. અનેક ઠેકાણે તેઓ જાહેરમાં ફટાકડાં ફોડતાં અને એકબીજાંને પેંડા ખવડાવતાં જોવા મળ્યાં હતાં.