રૂપાણી સરકારના 3 વર્ષ પૂર્ણ, ચાર અભિનવ લોકહિત યોજનાઓનું CM દ્વારા લોન્ચિંગ

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વર્તમાન સરકારના સફળ સુશાસનના ત્રણ વર્ષની સિદ્ધિઓ, જનહિત કાર્યોમાં સૌના સાથ સૌના વિકાસ સાથોસાથ સૌનો વિશ્વાસ પણ મૂર્તિમંત થયો છે તેવો સ્પષ્ટ મત વ્યકત કર્યો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, સરકારે સત્તાને સેવાનું માધ્યમ બનાવી, પરિશ્રમની પરાકાષ્ટા સર્જીને પ્રામાણિકતાથી લોકોની આશા-અપેક્ષા-આકાંક્ષા સંતોષવાનો સંનિષ્ઠ પ્રયાસ કર્યો તેનું આ પરિણામ છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના નિર્ણાયક નેતૃત્વના ત્રણ વર્ષની ઉજવણી કરતા ‘સંકલ્પથી સિદ્ધિ તરફ અગ્રેસર’ના ગૌરવપૂર્ણ સમારોહમાં મુખ્યપ્રધાને સંબોધન કર્યું હતું અને આ પ્રંસગે તેમણે રાજ્ય સરકારની ચાર નવી યોજનાઓ મુખ્યમંત્રી સંશોધન પ્રોત્સાહન યોજના (શોધ), ખાનગી જમીન પર આવેલ ઝૂંપડપટ્ટીઓનું તે જ સ્થળે સુવિધાસભર પાકા મકાનોના રૂપાંતર માટેની પી.પી.પી. પૂન:વસન નીતિ-ર૦૧૯, ઘર વપરાશ માટે સોલાર રૂફટોપ યોજના – સૂર્ય ગુજરાત અને મુખ્યમંત્રી કૃષિ યાંત્રિકીકરણ યોજનાનો શુભારંભ કરાવ્યો હતો..

મુખ્યપ્રધાને કાશ્મીરમાંથી ૩૭૦ અને ૩પ-એ કલમ દૂર કરી કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ બનાવવાના ઐતિહાસિક નિર્ણય માટે સાડા ૬ કરોડ ગુજરાતીઓ વતી વડાપ્રધાન નરેન્દ્રભાઇ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઇને અભિનંદન પાઠવ્યા હતા. સમારોહમાં ઉપસ્થિત સૌએ આ અભૂતપૂર્વ નિર્ણય માટે ગુજરાતના આ બે સપૂતોને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું.

પૂર્વ વિદેશપ્રધાન સ્વ. સુષ્મા સ્વરાજજીના દુઃખદ અવસાન અંગે બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

મુખ્યપ્રધાને ‘‘પથ કા અંતિમ લક્ષ્ય નહિ હૈ સિંહાસન ચઢતે જાના, સબ સમાજ કો લિયે સાથ મે આગે હૈ બઢતે જાના’’ પંકિતઓનો વિશેષ ઉલ્લેખ કરતાં કહ્યું કે, પારદર્શિતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતાના ચાર સુશાસન સ્તંભને આધાર બનાવી શાસનની જવાબદારી સંભાળી છે અને પદ કે પ્રતિષ્ઠા નહિ, જવાબદારીથી રાજ્યના વિકાસ માટે સમર્પિત થવા ક્ષણ-ક્ષણ પળ-પળ અર્પણ કરી છે.

મુખ્યપ્રધાને જણાવ્યું કે, ગુજરાતના વિકાસની ચર્ચા દશેય દિશામાં – દુનિયામાં થાય છે ત્યારે એ વિકાસ અને સુશાસનના અમારા જનકલ્યાણ સંકલ્પોને સુપેરે પાર પાડવા આખું મંત્રીમંડળ એક પળનાય વિરામ-વિશ્રામ વિના સતત કર્તવ્યરત રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ નયા ભારતના નિર્માણની જે સંકલ્પના કરી છે તેમાં ગુજરાત પ્રોએકટિવ – પ્રો પિપલ ગર્વનન્સથી અગ્રેસર રહેવાનુ છે.

નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના સાડા છ કરોડ નાગરિકોની આશા-આકાંક્ષાઓ પરિપૂર્ણ કરીને તેમની જરૂરિયાતોને ઘરઆંગણે પારદર્શીતાથી ઝડપથી પૂરી પાડવા માટે અમને જે અસવર મળ્યો છે એ અમારા માટે નાગરિકોના આશીર્વાદ છે. તેમણે ઉમેર્યું હતું કે, તત્કાલીન મુખ્યપ્રધાન અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની વિકાસયાત્રાનો આરંભ કર્યો હતો અને ગુજરાત દેશનું રોલ મોડલ બન્યું છે. તેને સુપેરે જાળવી રાખવાનું કાર્ય અમારી સરકારે કરી બતાવ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં ઘણી આપત્તિઓ, આંદોલનો થયા તે સમયે પણ લોકોના સહયોગ થકી રાજ્યમાં એકતા જાળવીને વિકાસ યાત્રાને આગળ વધારવાનું કામ અમે કરી શક્યા છીએ એ માત્રને માત્ર નાગરિકોના સહયોગને આભારી છે.

પટેલે ઉમેર્યું કે, દેશના ઇતિહાસમાં ભૂતકાળમાં જે ભૂલો થઇ હતી તે ૭૦ વર્ષ જૂની ભૂલોને સુધારવાનું શ્રેય ગુજરાતની બેલડી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગૃહપ્રધાન અમિતભાઇ શાહે કરી બતાવ્યું. કાશ્મીર એ ગુજરાતનું અવિભાજ્ય અંગ છે. સરદાર સાહેબે અનેક રજવાડા એકત્ર કર્યા હતા ત્યારે ગુજરાતના આ બન્ને સપૂતોએ કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ દૂર કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું છે એ માટે સૌ ગુજરાતીઓ વતી તેમને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે મુખ્યપ્રધાન તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પી.એચડી અને સંશોધનમાં રૂ. ૧૫ હજારની રાશિના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. પુન:વસન નીતિ-૨૦૧૯ અંતર્ગત ખાનગી જમીન ઉપર બનાવેલા આવાસોની સનદો, સોલાર રફ ટોપ હેઠળ સ્થપાયેલા વિવિધ મેગાવોટ પ્લાન્ટના સબસિડી પેટે ચેક વિતરણ, મુખ્યમંત્રી કૃષિ યાંત્રિકીકરણ યોજના હેઠળ ખેડૂતોને વિવિધ સાધન સહાય પેટે ચેક વિતરણ પણ આ સંકલ્પ સે સિદ્ધિ કી ઓર અગ્રેસરના અવસરે કરવામાં આવ્યા હતા.

રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં કરેલી વિવિધ વિભાગોની સફળ સિદ્ધિઓની ઝાંખી કરાવાતી એક ફિલ્મ રજૂ કરવામાં આવી હતી.

મુખ્યસચિવ જે.એન. સિંહે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે આ સરકારે પારદર્શકતા, પ્રગતિશિલતા સંવેદનશીલતા અને નિર્ણાયકતાના સ્તંભો પર ત્રણ વર્ષમાં નિર્ણાયક વિકાસ કર્યો છે. આ સરકારે તત્કાલિન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસ યાત્રાને આગળ વધારી છે. વર્ષ ૨૦૧૬-૧૭માં ગુજરાતનો વિકાસ દર ૯.૯ ટકા અને ૨૦૧૮માં ૧૧.૧ ટકા થયો છે જે ભારતનો વિકાસ દર ૬.૯ ટકા અને ૬.૪ ટકા હતો તેનાથી વધુ ઝડપથી ગુજરાતે વિકાસ કર્યો છે  જે સમગ્ર દેશમાં સૌથી વધુ છે. રાજ્ય સરકારે ઓછા ખર્ચે વધુ વિકાસ કરી છેવાડાના માનવી સુધી કલ્યાણલક્ષી યોજનાના લાભો પહોંચાડ્યા છે.