ત્રણ ગુજરાતી યુવક પરદેશમાં બંધક, ભારત પાછા આવવું છે: મદદ માટે પોકાર

અમદાવાદ- વિદેશમાં નોકરી માટે ગયેલાં ત્રણ ગુજરાતી યુવકોને બંધક બનાવવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના મલેશિયાની છે જ્યાં ત્રણ ગુજરાતી યુવાનોને એક કારમાં બંધક બનાવવામાં આવ્યાં છે. આ સાથે જ તેમને મારવાની ધમકી આપવામાં આવી રહી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

મળતી માહિતી અનુસાર, આણંદ જિલ્લાના બોરસદના પપળી ગામના ત્રણ યુવાનો એક વર્ષ પહેલાં રોજગારી માટે મલેશિયા ગયાં હતાં હાલ આ ત્રણેયને મલેશિયામાં એજન્ટ દ્વારા બંધક બનાવવામાં આવ્યા હોય તેવો વીડિયો યુવાનો દ્વારા પરિવારને મળતાં અહીં રહેતાં પરિવારજનો ચિંતામાં મૂકાઈ ગયાં છે. આ સાથે જ તેઓ પોતાના પુત્રોને ભારત પાછા લાવવા માટે પ્રયત્નો કરી રહ્યાં છે.

પ્રતીકાત્મક તસવીર

યુવાનો દ્વારા જે વીડિયો મોકલવામાં આવ્યો છે તેમાં યુવાનો કહી રહ્યાં છે કે, અમને ત્રણ જણને એજન્ટ દ્વારા બે-ત્રણ કલાકથી ગાડીમાં બંધક બનાવ્યા છે, તેઓ ગાડીમાં અમને આમ તેમ ફેરવ્યાં કરે છે. અમને ત્રણ મહિનાથી પગાર પણ નથી આપવામાં આવ્યો, અમારે ભારત આવવું છે.

આ મુદ્દે વિસ્તૃત માહિતી આપતા બંધક બનાવાયેલા એક યુવાનના ભાઈ કેતૂલ પટેલે જણાવ્યું કે, એક વર્ષ પહેલાં એજન્ટ દ્વારા મારો ભાઈ મલેશિયા ગયો હતો, 6-7 મહિના તો બધું બરોબર ચાલ્યું. ભાઈ મલેશિયામાં હોટલમાં નોકરી કરતો હતો, પરંતુ બે-ત્રણ મહિનાથી તેમને પગાર આપવામાં ન આવતાં તેમણે ભારત પાછા જવાનું એજન્ટને કહ્યું, તો એજન્ટે તેમને ગાડીમાં બંધક બનાવ્યાં છે.

તેમણે કહ્યું કે, મારા ભાઈની સાથે અન્ય બે યુવાનો પણ છે. આ ત્રણે યુવાનોના નામ હિમાંશુ પટેલ, સુનીલ પટેલ અને પીયૂષ પટેલ છે. હાલમાં યુવાનોના પરિવાર પોતાના પુત્રોને પાછા લાવવા માટે એમપી પાસે મદદ માટે પહોંચ્યા છે, એમપી દ્વારા પરિવારજનોને આશ્વાસન આપવામાં આવ્યું છે કે, તેઓ હાઈ કમિશનમાં જાણ કરી યુવાનોને પાછા લાવવા મદદ કરશે.