રાજકોટમાં સર્કસમાંથી પ્રાણીઓ જપ્ત, મેનકા ગાંધીને થઈ હતી ફરિયાદ…

નવી દિલ્હીઃ પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને એનિમલ એક્ટિવિસ્ટ મેનકા ગાંધીને રાજકોટના ગ્રેટ ગોલ્ડન સર્કસમાં પ્રાણીઓ પર અત્યાચાર થતો હોવાની ફરિયાદ કરાયાં બાદ સ્થળ તપાસ કરવામાં આવી હતી. જેમાં તથ્ય જણાતાં સર્કસમાંથી હાથી, ઘોડા, કૂતરાં, પોપટ સિઝ કરાયાં છે.રાજકોટના જીવદયાપ્રેમી ભાવિન પટેલે મેનકા ગાંધીને સર્કસના પ્રાણીઓ પર અત્યાચાર થતો હોવાની ફરિયાદ કરી હતી. ઉલ્લેખનીય છે કે આજથી રાજકોટમાં ગ્રેટ ગોલ્ડન સર્કસનો શો શરૂ થાય તેવી વકી હતી. પ્રાણીઓ પર અત્યાચારની ફરિયાદ બાદ મેનકા ગાંધીએ રાજકોટ કલેકટરને ફરિયાદ કરી હતી. કલેક્ટર રાહુલ ગુપ્તાએ એનિમલ વેલફેર જોગવાઈના આધારે કાર્યવાહી કરી હતી. કલેક્ટરે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, પશુપાલન વિભાગને પોલીસ સાથે રાખી તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.

આ તપાસ દરમિયાન પશુઓને રાખવામાં આવતા પીંજરા, પ્રાણીઓને રાખવાની રીત અને સરકસમાં તેમના ઉપયોગની બાબતો ચકાસતાં પ્રાણીઓ પર અત્યાચાર થયો હોવાનું માલૂમ થયું એટલે કલેક્ટરે પ્રાણીઓ સિઝ કરવા આદેશ આપ્યો હતો.

સર્કસમાંથી સિઝ કરાયેલા 2 હાથી જંગલ ખાતાને આપવામાં આવ્યાં છે, જ્યારે અન્ય પ્રાણીઓ રાજકોટ ઝૂના હવાલે કરવામાં આવ્યા છે. ઉપરાંત રાજકોટ પોલીસ કમિશનરને સરકસને શો માટે આપવામાં આવેલું લાયસન્સ રદ કરવા માટે ભલામણ કરવામાં આવી છે.