તાપી કિનારે એવી લાઇબ્રેરી જેમાં કોઇ લાઇબ્રેરિયન નથી કે ફી પણ નથી

સૂરત: લવ એન કેર ચેરિટેબલ ટ્રસ્ટ, રાંદેર અડાજણ ડોક્ટર્સ ક્લબ અને લવ તાપી કેર તાપીની ટીમ દ્વારા સિનિયર સિટીઝન્સ માટે તાપી નદીનાં કિનારે એક લાઇબ્રેરી શરૂ કરવામાં આવી છે. આ પહેલાં ચોપાટીનાં ગાર્ડનમાં લાઇબ્રેરી શરૂ કરાઇ હતી.

ગુરૂવારે શ્યામા પ્રસાદ બ્રીજ પાસે આવેલા પુસ્તાનાં ટેકરા પર-તાપી નદીને કિનારે એક લાઇબ્રેરી શરૂ કરાઇ. આ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન ડો.દક્ષેશ ઠાકર દ્વારા કરવામાં આવ્યું.

ડો.દિપક પટેલ અને ડો.દિપ્તી પટેલ જણાવે છે કે-આ લાઇબ્રેરી માટે કોઇ મેમ્બરશિપ ફી નથી. આ લાઇબ્રેરીમાં કોઇ લાઇબ્રેરિયન પણ નથી. આ લાઇબ્રેરીમાં લોકોએ જાતે જ પુસ્તકો લઇને જાતે જ પાછા મૂકી જવાનાં રહે છે. આ લાઇબ્રેરીનો લાભ તાપી નદીને કિનારે ચાલવા આવતા કોઇપણ વ્યક્તિ અને સિનિયર સિટીઝન્સ લઇ શકે છે.

પુસ્તાનાં ટેકરા પર તાપીના સાનિધ્યનું કુદરતી વાતાવરણ જ એટલું સરસ છે કે કોઇ હિલ સ્ટેશન પર બેઠા હોવ એવું લાગે. આવા વાતાવરણમાં વાંચવાની મજા વિશેષ થઇ જાય છે.

લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરતી વખતે ડો.દક્ષેશ ઠાકરે પુસ્તકોનાં મહત્વ વિશે વાત કરી. એમણે કહ્યું કે-તાપી નદીનાં કિનારે લાઇબ્રેરી ખોલવાનો આ જુદો જ વિચાર છે. એમણે એક વાર્તા શેર કરી હતી. એમણે કહ્યું કે-એક માણસ રાજા પાસે ગયો અને એણે કહ્યું કે-દસ વર્ષ સુધી હું સતત વાંચી શકું છું. રાજાને નવાઇ લાગી. એણે કહ્યું-જો તમે દસ વર્ષ સુધી બીજું કઇં જ ના કરો અને વાંચતા જ રહો તો હું તમને એક હજાર સોના મહોર આપીશ. પેલા માણસને એક મકાનમાં લઇ જવાયો. દરવાજો બંધ કરી દેવાયો. પેલા માણસે વાંચવાનું શરૂ કર્યું. એ વાંચતો જ રહ્યો-દસ વર્ષ પૂરો થવાને એક દિવસ બાકી હતો ત્યાં નગરજનો એ માણસને જોવા માટે પેલા મકાન પાસે ભેગા થઇ ગયા.

એ માણસ દરવાજો ખોલીને બહાર આવી ગયો. લોકોને નવાઇ લાગી. એક દિવસ પહેલાં બહાર આવી ગયેલા પેલા માણસે એક હજાર સોનામહોર ગુમાવી હતી. લોકોએ એને કહ્યું-આટલું રહ્યો તો એક દિવસ વધારે રહી જવાનું હતું-એક હજાર સોના મહોર ગુમાવી દીધી ને….પેલાએ જવાબ આપ્યો-દસ વર્ષમાં એટલું વાંચી લીધું છે કે હવે મને એક હજાર સોના મહોરની જરૂર લાગતી નથી. પુસ્તકો એક હજાર સોનામહોરથી પણ વધારે છે. પુસ્તકો સાથેની દોસ્તી દરેક વ્યક્તિએ રાખવી જોઇએ.