ભાવનગર: લોકસભાની ચૂંટણી અગાઉ આવતા વર્ષે 10થી 12 જાન્યુઆરી સુધીના ત્રણ દિવસ માટે ગાંધીનગર મહાત્મા મંદિરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવાની છે. જેને વૈશ્વિક કક્ષાની બનાવવા માટે ગુજરાત સરકાર અને વહીવટી તંત્ર દિવસ-રાત એક કરી રહ્યું છે.
ભાવનગર શહેરમાં આગામી બે દિવસ વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ભાવનગર કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.ભાવનગર શહેરમાં ૧૩-૧૪ ઓક્ટોબરે વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ભાવનગર કાર્યક્રમ યોજાશે. ૧૩ ઓક્ટોબર સવારે ૧૦ વાગ્યે ટાઉન હોલ, મોતીબાગમાં ભાવનગરના પ્રભારી મંત્રી પ્રારંભ કરાવશે.
રાજ્યમાં ગ્લોબલ સમિટ અન્વયે વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમના ભાગરૂપે વિવિધ જિલ્લાઓમાં વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે ભાવનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ભાવનગર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એક્ઝિબિશન બંને દિવસ સવારે ૧૦ વાગ્યાથી રાત્રે ૮ વાગ્યા સુધી શરૂ રહેશે. જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ભાવનગર અન્વયે થયેલી કામગીરીની સમીક્ષા બેઠક સર્કિટ હાઉસ ખાતે રાખવામાં આવી હતી.વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ભાવનગર કાર્યક્રમ અંતર્ગત કાયદો અને વ્યવસ્થા, સ્ટેજ-સ્ટોલ અંગેની વ્યવસ્થા, પ્રચાર પ્રસારની કામગીરી, સહિત યોજાનાર સેમિનાર અને એક્ઝિબિશન અંગે કલેકટર દ્વારા સંબધિત વિભાગોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર દ્વારા યોજાનાર કાર્યક્રમની રૂપરેખા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતાં. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, નિવાસી અધિક કલેક્ટર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સહિતના અમલીકરણ સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.