મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ

અમદાવાદઃ ગુજરાત પ્રાંતિય આર્ય પ્રતિનિધિ સભાએ રવિવારે રિવરફ્રન્ટ ખાતે 19મી સદીના મહાન સુધારક મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મ જયંતિ પ્રસંગે ભવ્ય સમારંભનું આયોજન કર્યું હતું. ગવર્નર આચાર્ય દેવવ્રત આ સમારંભના પ્રમુખપદે હાજર રહ્યા હતા તથા મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે સમારંભના મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી.

સમારંભના પ્રમુખ સ્થાનેથી બોલતાં આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મ જયંતિ પ્રસંગે એક ડેલીગેશનના ભાગ તરીકે જ્યારે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા ત્યારે જન્મ જયંતિની ઉજવણીની દરખાસ્તને તેમણે હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર દેશે આ ઉજવણીમાં સામેલ થવું જોઈએ. મહર્ષિ દયાનંદ સરસ્વતીના જન્મ સ્થળ ટંકારા ખાતે એક ભવ્ય યાત્રાધામની સ્થાપના કરવા માટે 15 એકર જમીન આપવાની વિનંતી કરતાં મેં મુખ્ય પ્રધાનનો સંપર્ક કર્યો હતો. મને જણાવતાં આનંદ થાય છે કે રાજ્ય સરકારે આ હેતુ માટે કેન્દ્ર સ્થાપવા માટે જમીનની ફાળવણી કરી છે. તેમણે માહિતી આપી હતી કે ગવર્નરના અધિકૃત નિવાસ સ્થાન રાજભવન ખાતેના ભવ્ય હોલને મહર્ષિ દયાનંદ સરસ્વતીનું નામાભિદાન કરવામાં આવ્યું છે.

 

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે સદીઓ સુધી આપણો દેશ પરાધીનતાનો ભોગ બન્યો હતો અને આપણાં વિચારો, પરંપરાઓ, મૂલ્યો તથા પ્રણાલિઓને અવગણવામાં આવ્યા હતા. આવી વિપરીત પરિસ્થિતિની વચ્ચે મહર્ષિ દયાનંદ સરસ્વતીએ તેમનું સમગ્ર જીવન સમાજન ઉત્કર્ષ માટે ખર્ચી નાંખ્યું હતું. તેમણે ઘણાં લોકોના દિલમાં આઝાદીની લડત માટેની ભાવના જગાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશની સંસ્કૃતિમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે અને ભારતીય સંસ્કૃતિ તથા પરંપરાઓ જાળવવાનો તથા સબ કા સાથ, સબ કા વિકાસ અને સબ કા પ્રયાસ દ્વારા મહર્ષિ દયાનંદ સરસ્વતીએ દર્શાવેલા ધ્યેય આગળ ધપાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.

સમગ્ર દેશમાંથી આવેલા પ્રતિનિધિઓ અને મહાનુભવોને આવકારતાં આર્ય સમાજ ગુજરાતના પ્રમુખ આચાર્ય વચોનીધી અગ્રવાલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા.12 ફેબ્રુઆરી, 2023ના રોજ મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મ જયંતિનો પ્રારંભ કર્યો હતો. સમગ્ર વર્ષ દરમ્યાન ચાલનારી આ ઉજવણીનું મહર્ષિની જન્મભૂમિ ટંકારામાં ભવ્ય સમારંભ સાથે સમાપન થશે. અમે આ 200મી જન્મ જયંતિ પ્રસંગે વિવિધ રાજ્યમાં જ્ઞાન જ્યોતિ ફેસ્ટીવલ્સ અને અન્ય સમારંભોની ઉજવણી કરી રહયા છીએ.

આર્યવીર દલ અને આર્યવીરાંગના દળે આ પ્રસંગે માર્ચ પાસ્ટ યોજી હતી અને હાજર રહેલા તમામ મહાનુભવોને ગાર્ડ ઓફ ઓનરથી આવકાર્યા હતા. આ સમારંભમાં ગુજરાતમાં મોરબી નજીક ટંકારામાં જન્મેલા મહર્ષિ દયાનંદ સરસ્વતીને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. આચાર્ય વઘેશજી શર્માએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે ભારતમાં જ્યારે અજ્ઞાન, અંધશ્રધ્ધા અને સામાજીક દૂષણો પ્રવર્તતા હતા ત્યારે મહર્ષિ દયાનંદ સરસ્વતીએ 19મી સદીમાં મશાલચી તરીકે કાર્ય કરીને અજવાળાં પાથર્યા હતા. તેમણે જણાવ્યું કે મહર્ષિએ પોતાનું સમગ્ર જીવન અજ્ઞાન દૂર કરવામાં ખર્ચી નાંખ્યું હતું અને દેશમાં જ્ઞાન તથા તાર્કિકતાની જ્યોત જગાવી હતી. તેમણે વેદીક જ્ઞાન ફેલાવ્યું હતું અને શ્યામજી કૃષ્ણ વર્મા જેવા સ્વાતંત્ર્ય સેનાનીઓને પ્રેરણા આપી હતી. મહર્ષિ દયાનંદ સરસ્વતીના વિચારોને આગળ ધપાવતો આર્ય સમાજ દેશમાં હિંદુ સમુદાયના ઉત્કર્ષ માટે મહત્વની ભૂમિકા બજાવી રહ્યો છે.

મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મ જયંતિની ઉજવણીથી નવી પેઢીને તેમણે શિખવેલા વેદ મારફતે આગળ ધપવાની પ્રેરણા મળશે. મહર્ષિએ 1875માં મુંબઈમાં સ્થાપેલી આર્ય સમાજ સહિતની વિવિધ સંસ્થાઓએ અઢી વર્ષ માટે એક ઘનિષ્ટ એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. પ્રસંગોપાત વર્ષ 2025માં આર્ય સમાજની સ્થાપનાની 150મી વર્ષગાંઠ આવી રહી છે.

મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે દેશના તમામ પાટનગરો અને દુનિયાના 35 દેશમાં ભવ્ય સમારંભનું આયોજન કરવામાં આવશે. આ પ્રસંગે વ્યાપકપણે વિવિધ સ્પર્ધાઓ અને સેમિનારનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત વેદિક સંસ્કૃતિના પ્રચાર માટે તથા વેદિક સાહિત્યના પ્રકાશન માટે તથા આ અંગે ઉચ્ચસ્તરની વિવિધ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે. ગુરૂકુલ આર્ય સમાજ મંદિરો, ડીએવી સંસ્થાઓ તથા આર્ય સમાજની વિવિધ સંસ્થાઓમાં અનેક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મ જયંતિ પ્રસંગે તથા આર્ય સમાજની સ્થાપનાના 150 વર્ષ પૂરાં થવા પ્રસંગે ઈન્ટરનેશનલ આર્ય સમાજ સંમેલન યોજીને ઓક્ટોબર-2025માં ભવ્ય સમારંભનું આયોજન કરવામાં આવશે.